(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
નવી સિવિલ હોસ્પિટલમાં છ-છ કલાક સુધી સારવારના અભાવે મૃત્યુ પામનાર ગોકુલ યાદવ પ્રકરણમાં જવાબદારોની સામે નિયમોનુસાર આગામી દિવસોમાં બેઠકમાં નિર્ણય લઇ પગલા લેવામાં આવનાર હોવાનું રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલની લાપરવાહીને કારણે ઈજાગ્રસ્ત ગોકુલ યાદવનું મૃત્યુ થયું હતું. આ અંગે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ તપાસનો આદેશ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલની તપાસ કમિટીએ રિપોર્ટ આરોગ્ય વિભાગને સુપરત કર્યો હતો. આ રિપોર્ટ મુજબ સર્જરી, ઓર્થોપેડીક અને ઈમરજન્સી વિભાગના સંકલનના અભાવે દર્દીનું મૃત્યુ થયું હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગને સુપરત કરાયેલા આ રિપોર્ટ અંગે આગામી આરોગ્ય વિભાગની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે અને જવાબદારોની સામે નિયમોનુસાર પગલા ભરાશે.
બીજી તરફ જાણવા મળ્યા મુજબ નવી સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયું હોય, તેવા સંજાગોમાં બેદરકારી દાખવનારા સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેમ છે. જાકે હજુ સુધી મૃતકના પરિવાર તરફથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.