(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પર રેડ કરવા ગયેલી પોલીસે દેશીના ધંધાર્થીઓને બદલે નિર્દોષ લોકો પર સિતમ વરસાવતા, એકત્રિત થયેલા ગ્રામજનોએ બેફામ બોલતા એલારડીના પોલીસ કર્મી ઉપર હુમલો કરી એક હાથ ભાંગી નાખતા ખળભળાટ મચી ગયો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આજે પોલીસ દેશી દારૂની રેડ કરવા ગઈ હતી. ત્યારે કેટલાક વાડી માલિકોએ પોતાની વાડીના ખાનગી રસ્તામાંથી પસાર થઈ રેડ કરવા નહીં જવા કહ્યું હતું. કારણ કે રેડ બાદ દેશી દારૂના ધંધાર્થીઓ આ વાડી માલિકોને નિશાન બનાવે છે જે જણાવતા પોલીસે દંડાવાળી કરતા આજુબાજુના વિસ્તારમાં વાયુ વેગે પોલીસના સિતમના સમાચાર ફેલાઈ ગયા હતા અને ગ્રામજનોનું ટોળું એકત્ર થયું હતું અને પોલીસ સાથે ટપલીદાવ ચાલુ કરતા મામલો બીચક્યો હતો. ત્યારે પોલીસ કર્મી ભાવેશ મિયાત્રાએ ખાખી વર્ધીમાં બેફામ ગાળો ભાંડી નિર્દોષ વ્યક્તિને લમઘાર્યો હતો. જેના વિરોધમાં ગ્રાજનો એકત્ર થઈ ખાખીનો રોફ ન જમાવવા આજીજી કરવા છતાં બેફામ ગાળો ભાંડતા પરિણામ ભોગવવું પડ્યું ? જેમાં ગ્રામજનોના આ હુમલામાં ભાવેશ મિયાત્રાનો હાથ ભાંગી ગયો હતો અને અન્ય એક લેડી પોલીસ સહિતના પોલીસ કર્મીઓને વોકળા, વાક ઠેકીને ભાગવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગામના આગેવાનોએ પોલીસને રેડની કામગીરીને બિરદાવી હતી. પરંતુ નિર્દોષો ઉપર જુલ્મની નિંદા કરી આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા નક્કી કર્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા છે અને ગ્રામજનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ વિસ્તારમાં હળવદ પોલીસે પોતાનો રોફ જમાવવા કોમ્બિંગ શરૂ કરી હુમલાખોર ઈસમને ઝડપી લેવા કવાયત આદરી છે.