(એજન્સી) કોલકાતા, તા. ૩
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ કુનાલ ઘોષ અને હકાલપટ્ટી કરાયેલા સીપીએમ નેતા તેમ જ રાજ્યસભાના સાંસદ રિટાબરાત બેનરજીએ પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીની પ્રશંસા કરીને જણાવ્યું કે, રાજ્યમાં કોમવાદી બળોના ઉદ્ભવને મમતા બેનરજી જ અટકાવી શકે છે. કોલકાતા પ્રેસ ક્લબ ખાતે યોજવામાં આવેલી એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે સીપીએમએ ભાજપ સામે મમતા બેનરજીને સમર્થન આપવું જોઇએ. સીપીએમનું વલણ ભાજપને પરાજિત કરવા માટે સક્ષમ કોઇપણ પક્ષને સમર્થન આપવાનું હોવાથી સીપીએમએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના હાથ મજબૂત બનાવવા જોઇએ.
શિસ્તભંગ બદલ ગયા વર્ષે સીપીએમમાંથી હકાલપટ્ટી કરાયેલા બેનરજીએ જણાવ્યું કે, સીપીએમની ટીએમસીને પરાજય આપવા અને ભાજપને અટકાવવાની રાજકીય લાઇન અહીં કામ કરશે નહીં કારણ કે, આ લાઇન વિરોધાભાસી છે. તેમણે એવું પણ જણાવ્યું કે સમય થઇ ગયો છે કે અલિમુદ્દીન સ્ટ્રીટ ખાતે નેતાઓએ સમજવું જોઇએ કે દેશમાં કે રાજ્યના રાજકારણમાં સીપીએમ નિર્ણાયક પક્ષ નથી. આ બાબત પુરવાર કરવા માટે મારી પાસે પુરાવા છે કે પશ્ચિમ બંગાળમાં સીપીએમના નેતાઓને એવો ભય છે કે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં તેઓ ખાતું પણ ખોલાવી શકશે નહીં. બેનરજીએ એવું પણ જણાવ્યું કે ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ જોતા સ્પષ્ટ થઇ ગયું છે કે સીપીએમ કોઇ પણ શરત વગર ભાજપને શરણે થઇ ગયો છે. પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીઓ દરમિયાન સર્જાયેલી હિંસાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે સીપીએમ રાજ્યમાં તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યો છે. રાજ્યમાં ૬૦,૦૦૦ લોકોએ તેમની મેમ્બરશિપ પણ રીન્યુ કરાવી નથી.