(એજન્સી) તા.૩
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એમઓયુ)માં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદઅલી ઝીણાની તસવીર વિવાદમાં હવે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ ઝંપલાવ્યું છે. મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવી દેવાની માંગ કરી છે સાથે જ ચક્રપાણિએ સીએમ યોગીના મંત્રીમંડળમાં સહયોગી સ્વામી પ્રસાદ મૌર્યને પણ હાંકી કાઢવાની માગ કરી છે. ચક્રપાણિએ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ આ બે કામ કરી શકતા નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે મોહમ્મદ અલી ઝીણાને મહાપુરૂષ કહ્યા હતા અને ભાગલા પહેલાં ઝીણાએ પણ દેશ માટે યોગદાન આપ્યું હતું. મૌર્યના આ તસવીર પરના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જણાવી દઈએ કે મૌર્યના આ નિવેદનની ભાજપના નેતાઓએ પણ ટીકા કરી હતી. આ વિવાદ અંગે ચક્રપાણિએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં ચક્રપાણિએ ઝીણાને મહાપુરૂષ કહેવાતા વિરોધ દર્શાવ્યો છે અને મૌર્ય પર દેશદ્રોહનો મુકદમો ચલાવવા માંગ કરી છે અને મુંબઈના ઝીણા હાઉસને સાવરકર હાઉસ બનાવવાની પણ કેન્દ્રીય ગૃહમંત્રી પાસે માગ કરી છે.