(એજન્સી) તા.૩
અલીગઢ મુસ્લિમ યુનિ.એ બુધવારે બપોરે હિન્દુ યુવા વાહિનીના સભ્યોએ તેની હદમાં કરેલી ગેરકાયદેસર ઘૂષણખોરી અને વાંધાજનક સૂત્રોચ્ચારની સખત નિંદા કરી હતી. એ.એમ.યુ.ના ઉપકુલપતિ પ્રોફેસર તારિક મન્સુરે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરવાની સાથે સાથે અલીગઢ જિલ્લાના વહીવટી તંત્ર સમક્ષ માગણી કરી હતી કે ષડયંત્રકારોની ધરપકડ કરવામાં આવે. ઉપકુલપતિએ આપેલા એક પ્રેસ નિવેદનમાં કહ્યું હતું કે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે યુનિ. સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માગણી કરે છે કે ષડયંત્રકારોની ધરપકડ કરી. કેમ્પસમાં શાંતિભંગ બદલ યુવા વાહિનીના કાર્યકરો વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવે. આ ઉપરાંત ઉપકુલપતિએ રાજ્ય અને કેન્દ્ર સરકારને કેમ્પસની પરિસ્થિતી અને એ.એમ.યુ. સમુદાયની લાગણીઓ વિશે જાણ કરી હતી.