(એજન્સી) તા.૩
યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રો)ના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ર૦૧૮માં રહેલી ૧પ૬ દેશોની યાદીમાં ભારતનો ક્રમ ૧૩૩મો હતો, જે ર૦૧પની સરખામણીમાં ૧પ ક્રમ નીચે જતું રહ્યું હતું. આ અહેવાલમાં તારણ આપવામાં આવ્યું છે કે ભારતનો માથાદીઠ જીડીપી વધી રહ્યો છે છતાં સુખી રાષ્ટ્રોની યાદીમાં ભારતનો ક્રમ પાછળ ધકેલાઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે ભારતીયો ત્રણ વર્ષ પહેલા કરતાં ઓછા સુખી શા માટે બની રહ્યાં છે. શા માટે ભારતીયો ભારતીય ઉપખંડમાં સૌથી ઓછા સુખી છે. સંયુક્ત રાષ્ટ્રોની સુખી દેશોની મ્યાનમારનો ક્રમ ૧૩૦, શ્રીલંકાનો ક્રમ ૧૧૬, બાંગ્લાદેશનો ક્રમ ૧૧પ, નેપાળનો ક્રમ ૧૦૧, ભૂતાનનો ક્રમ ૯૭, પાકિસ્તાનનો ક્રમ ૭પ અને ચીનનો ક્રમ ૮૬ છે. સમાજ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતીયો નબળી સામાજિક સહયોગ વ્યવસ્થાથી પીડાઈ રહ્યાં છે અને ભારતીય સમાજ ઓછો ઉદાર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની જીડીપીમાં સતત વધારો થઈ રહ્યો છે અને સામાન્ય રીતે માથાદીઠ જીડીપીમાં થતા વધારાને જીવનધોરણના સૂચકાંક તરીકે જોવામાં આવે છે. પરંતુ આ પરિકલ્પના તે સમાજમાં જ લાગુ પડે છે. જ્યાં આવક અને સંપત્તિનું વિતરણ પ્રમાણસર અને ન્યાયિક હોય. આઈ.આઈ.એમ. બેંગ્લોર ખાતે આવેલા સેન્ટર ફોર પબ્લિક પોલિસીના ચેરપર્સન હેમા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતમાં આવક, સંપત્તિ અથવા માનવ મૂડીના અન્ય પ્રકારોમાં રહેલી અસમાનતા નિશ્ચિતરૂપે દેખાય છે. જ્યારે એક બાજુ ભારતનો જીડીપી વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ ભારતમાં સામાજિક અને આર્થિક અસમાનતા પણ વધી રહી છે. વર્લ્ડ અનઈક્વાલિટી લેબના અહેવાલ પ્રમાણે ર૦૧૪માં સૌથી વધારે આવકની અસમાનતા નોંધાઈ હતી જે ૧૯૮૦થી નોંધાયેલી આવકની અસમાનતામાં સૌથી વધારે હતી.
ભારતીયો ચિંતા વધારે ચિંતિત રહે છે તેમજ દુઃખ અને ગુસ્સાનો અનુભવ કરે છે
વર્લ્ડ હેપ્પીનેશ રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષોમાં ભારતીયોએ હકારાત્મક લાગણીઓનો ઓછો અનુભવ કર્યો છે જ્યારે નકારાત્મક લાગણીઓનો વધારે અનુભવ કર્યો છે. ભારતમાં હકારાત્મક લાગણીઓની અસર ર૦૧પથી સતત ઘટી રહી છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષો (ર૦૧ર-ર૦૧૪)ની સરખામણીમાં નકારાત્મક લાગણીઓની અસર વધી રહી છે. આનો અર્થ એ થયો કે ભારતીયો પાસે હસવાના ઓછા કારણો છે જ્યારે ચિંતા કરવાના અને ગુસ્સે થવાના વધારે કારણો છે. યુ.કે.માં આવેલી યુનિવર્સિટી ઓફ બાથમાં સોશિયલ એન્ડ પોલીસી સાયન્સીઝ પર ડૉકટરેટ કરતી વિદ્યાર્થીની શ્રેયા ઝાના મંતવ્ય મુજબ સંશોધન દર્શાવે છે કે નકારાત્મક સંજોગો આપણી લાગણીઓ પર વધારે અસર કરી શકે છે. ઝાએ કહ્યું હતું કે, અનિવાર્યપણે નકારાત્મક સંજોગો આપણા ધ્યાનમાં અગ્રતાક્રમ મેળવી લે છે ખાસ કરીને ત્યારે જ્યારે તેની નકારાત્મક અસરોને ઓછી કરવા માટે કોઈ અન્ય પરિબળ ન હોય. સામાજિક વૈજ્ઞાનિકો માને છે કે હાલનું રાજકીય વાતાવરણ દેશમાં પ્રવર્તમાન હતાશાના મનોભાવને સારી રીતે સમજાવી શકે છે. સ્વામીનાથને કહ્યું હતું કે, હાલના રાજકીય વાતાવરણમાં મુખ્ય ઓળખાણો જેવી કે જાતિ, ધર્મ અને લિંગનો ઉપયોગ ટૂંકાગાળાના કાયદા માટે થાય છે. અન્ય પ્રતયે જે અવિશ્વાસ, નફરત, પૂર્વગ્રહ અને અન્ય નકારાત્મક લાગણીઓ છે તે સુખી અવસ્થાની સંવાહક નથી.
સરકારમાં વધારે વિશ્વાસ હોવા છતાં વધારે ભ્રષ્ટાચારની દૃષ્ટિ
આ વર્ષે જાહેર થયેલા હેપ્પીનેશ રિપોર્ટ માટે ર૦૧૭માંં જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં સરકાર પર છેલ્લા થોડા વર્ષો કરતા ખૂબ જ વધારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આ એક હકારાત્મક બાબત હતી પરંતુ સાથે સાથે ભારતીયોએ સરકારમાં અને વ્યાપારમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તતો હોવાની વાત સ્વીકારી હતી જે તેમના સુખમાં થયેલા વધારાને પાછુ ખેંચી લે છે. નોટબંધી અને જીએસટી લાગુ કર્યા પછી લોકોને લાગતું હતું કે સરકાર અર્થવ્યવસ્થાને સુધારવા સક્ષમ છે પરંતુ જેવી રીતે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે તેનાથી લોકોની દૃષ્ટિ બદલાઈ ગઈ છે.
શા માટે ભારતે તેના નાગરિકોનું સુખ માપવું જોઈએ
સુખ એ વ્યક્તિલક્ષી લાગણી છે પરંતુ આપણે આમ ન કહી શકીએ કે તેનો માપી શકાય તેમ નથી અથવા સરકારે તેને અયોગ્ય નીતિ જાહેર કરી બાજુ પર ન મૂકી દેવી જોઈએ. છેવટે સુખી થવું દરેક વ્યક્તિના જીવનનો ધ્યેય હોય છે. ર૦૧૭માં મધ્યપ્રદેશ સરકારે જાહેર કર્યું કે તેના લોકોનું સુખ માપશે. ભારતના કોઈ રાજ્ય દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની આ પ્રથમ પહેલ હતી. વર્લ્ડ હેપ્પીનેશ રિપોર્ટ-ર૦૧૮ના કો-ઓડિટર જ્હોન એફ હેલ્લીવેલે કહ્યું હતું કે કેટલાક ભારતીય રાજ્યોએ સુખ સર્વેની શરૂઆત કરી છે પરંતુ રાષ્ટ્રીય સહયોગ વગર તે મહત્ત્વના નહીં હોય.