(એજન્સી) બેંગલુરુ, તા. ૩
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણીઓમાં આક્રમક પ્રચાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે વડાપ્રધાન સામે પ્રહાર કરતાં જણાવ્યું કે હું તમને મોદીજીના વ્યક્તિત્વ વિશે કંઇક કહેવા માગું છું. મોદી જ્યારે પણ હતાશ થાય છે તો લોકો પર અંગત હુમલો કરે છે પરંતુ બદલામાં હું ક્યારેય નરેન્દ્ર મોદી જેવું કરીશ નહીં. મેં મોદીજીની જેમ તેમના પર ક્યારેય અંગત હુમલા કર્યો નથી. આ જ તેમના અને મારામાં તફાવત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અગાઉ, વડાપ્રધાને ગબ્બરસિંહ ટેક્સ લાગુ કર્યો હતો હવે તેઓ કર્ણાટકની ચૂંટણીઓમાં સાંભા અને કાલિયાને પણ લાવી રહ્યા છે. આ બાબત ભ્રષ્ટાચાર સામેની લડતમાં તેમની ગંભીરતા બતાવે છે. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન તેમની મજાક ઉડાવે છે પરંતુ તેમને આ ભાષા શોભતી નથી. રાહુલે ભાજપના ભ્રષ્ટાચારમુક્ત ભારતના નારાની વાત કરતા કહ્યું હતું કે, રેડ્ડી બંધુઓને ફરીવાર લાવવામાં આવી રહ્યા છે. રાહુલે ઉમેર્યું હતું કે, રેડ્ડી બ્રધર્સની પુરી ગેંગ જેલમાં હતી તેને જેલમાંથી કાઢીને વિધાનસભામાં નાંખવાના પ્રયાસ થઇ રહ્યા છે.