(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
વર્લ્ડ બેંકનો લેટેસ્ટ રિપોર્ટ મોદી સરકાર માટે ખરેખર રાહતભર્યો સંદેશ લઇને આવ્યો છે. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચાડવાના દાવા પર ટ્રોલ થયેલી મોદી સરકારને હવે વર્લ્ડ બેંકનો સહારો મળી ગયો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ભારત ખરેખર દેશની ૮૫ ટકા વસ્તી સુધી વીજળી પહોંચાડવાનું શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. વર્લ્ડ બેંકના ચાલુ સપ્તાહે જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૦થી ૨૦૧૬ દરમિયાન ભારતે દર વર્ષે ૩ કરોડ નવા ગ્રાહકો સુધી વીજળી પહોંચાડી છે. આ આંકડો વિશ્વના કોઇ પણ દેશથી વધુ છે પરંતુ ભારતની ૧.૨૫ અબજ વસ્તીના ૧૫ ટકા લોકો સુધી વીજળી પહોંચાડવાનું કાર્ય હજીપણ એક પડકાર છે. એટલે કે દેશના ૧૯ કરોડ લોકો હજીપણ વીજળીથી વંચિત છે. જો આ ગતિએ લોકોને વીજળી પહોંચાડવાનું કામ ચાલુ રહેશે તો ભારત આ લક્ષ્યને નિર્ધારિત સમય ૨૦૩૦થી પહેલા હાંસલ કરી લેશે, એમ વર્લ્ડ બેંકના ટોચના ઊર્જા ઇકોનોમિસ્ટ વિવિયન ફોસ્ટરે જણાવ્યું છે.
જો કે, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વીજ પુરવઠો સતત મળે, એ હજીપણ ભારતના લોકોની ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે અમે જાણીએ છીએ કે ભારતના કેટલાક ભાગોમાં અત્યારે પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઇ જવાની સમસ્યા સામાન્ય છે પરંતુ તેનાથી પણ વધુ મહત્વની વાત વીજળી કનેક્શન પહોંચાડવાની છે. ભારતે હાલમાં વીજળીના ક્ષેત્રમાં સતત મહેનત કરવા અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
ફોસ્ટરે એવું પણ કહ્યું છે કે વીજળીકરણની બાબતમાં ભારત વિશ્વનો સૌથી ઝડપી દેશ નથી. કેન્યા અને બાંગ્લાદેશ વિદ્યુતકરણમાં ભારત કરતા ઝડપી અને આગળ છે. તેમણે કહ્યું કે ભારત હવે વિદ્યુતકરણના છેલ્લા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. આ તબક્કામાં ભારતે અંતરિયાળ વિસ્તારો સુધી વીજળી પહોંચાડવાની છે. વસ્તી જેટલી દૂર હશે એટલું જ જનતા સુધી પહોંચવાનું મુશ્કેલ થતું જશે. વર્લ્ડ બેંક અને સરકારી આંકડામાં ૫ાંચ ટકાનો તફાવત છે. બંનેની સર્વે કરવાની રીતમાં ફરકને કારણે આ અંતર છે. વર્લ્ડ બેંક દરેક ઘરમાં જઇને લીધેલા સેમ્પલને આધારે સર્વે કરે છે, તેના આંકડમાં ઓફગ્રિડ ઘર પણ સામેલ છે જ્યારે સરકારી આંકડા વીજળી કનેક્શનના છે.
સંપૂર્ણ ગ્રામીણ વીજળીકરણ ? વાસ્તવિક આંકડાથી તમને આઘાત લાગશે !
૨૯મી એપ્રિલે કરવામાં આવેલી મોટી જાહેરાત સાંભળવામાં બહુ સારી લાગી હતી. આપણને એવું કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ ગ્રામીણ વીજળીકરણનો લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવ્યો છે. ઘણા લોકો તેમના જીવનના પ્રથમ ૧૦ વર્ષ ગામડામાં પસાર કર્યા છે. ગામડામાં વીજળી એક ચમત્કાર જ લાગે છે. ૧૦૦ ટકા ગામડાઓમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક કેવી રીતે હાંસલ થયો એ તપાસનો મુદ્દો બની ગયો. સરકારી આંકડાકીય માહિતી ચકાસ્યા પછી ખબર પડી કે ૧૦૦ ટકા ગામડાઓમાં વીજળીની વાત પણ કાગળ પર હાંસલ કરાયેલું સીમાચિહ્ન છે. અસંખ્ય ઘરોમાં હજીપણ વીજળી પહોંચી નથી.
– ૧૮,૦૦૦ ગામડાનું સંપૂર્ણ વિદ્યુતકરણ કરાયું હોવાનો દાવો કરાયો હતો પરંતુ ખરેખર તો માત્ર ૧,૪૧૬ ગામડાઓના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે. એટલે કે ૧૮,૦૦૦ના માત્ર ૮ ટકા ગામોમાં વીજળી પહોંચી છે. ૮ ટકા ગામડાઓ જ ગ્રીડ સાથે જોડાયા છે.
– જો આ જ બેંચમાર્કનો ઉપયોગ કરવામાં આવે તો કુલ ૬ લાખ ગામોમાંથી ૫૦-૬૦,૦૦૦ ગામોમાં જ સંપૂર્ણ વિદ્યુતકરણ થયું છે. શું આ ડ્રામેટિક ડેવલપમેન્ટ ગર્વ કરવા લાયક છે ?
– કાગળ પર વીજળીકરણ એક ચાલુ પ્રક્રિયા છે. ૧૯૫૦માં ૩૦૦૦ ગામોમાં વીજળી પહોંચી હતી, તેની સામે ૧૯૭૦માં આશરે ૭૫,૦૦૦ ગામોનું વીજકરણ થયું હતું. ૧૯૭૦ના દાયકામાં વધુ ૭૬,૦૦૦ ગામ આ રેન્કમાં જોડાયા હતા.