(એજન્સી) કાઠમંડુ, તા. ૪
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા અને સન્માન સમારંભને ધ્યાનમાં રાખીને નેપાળના પ્રાંત સંખ્યા બેમાં ૧૧ મેના રોજ જાહેર રજા રહેશે. પ્રાંતિય કેબિનેટે રજાની જાહેરાત કરતાં જણાવ્યું કે ૧૧ મેના રોજ મોદી જનકપુરના જાનકી મંદિરમાં દર્શન કરશે અને બારહબીઘા મેદાનમાં તેમને સન્માનિત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે મોદીને સન્માનિત કરવા માટે મેદાનમાં આયોજિત સમારંભમાં પ્રાંતના આઠ જિલ્લાઓમાંથી પ૦,૦૦૦થી વધુ લોકો એકઠા થવાની શક્યતા છે. તે દિવસે પ્રાંતના દરેક આઠ જિલ્લાઓમાં રજા રહેશે.
ભારતની સરહદ સાથે જોડાયેલ આ પ્રાંત દેશમાં બીજી સૌથી વધુ વસ્તી ધરાવે છે. મોદીની યાત્રાને ધ્યાનમાં લેતાં જનકપુરમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. નેપાળની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે મોદી ૧૧ મેના રોજ બિહારની રાજધાની પટનાથી સીધા જ જનકપુર પહોંચશે. જનકપુરથી તેઓ ૧૧ મેના રોજ મુસ્તાંગ રવાના થશે. વડાપ્રધાન ત્યાંથી કાઠમંડુ પણ જશે. નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ વડાપ્રધાનના કાર્યક્રમની જાણકારી આપતા કહ્યું કે, મોદીની યાત્રાથી બંને દેશોના સદીઓ જૂના સામાજિક અને ધાર્મિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. તાગ મેળવવા માટે જનકપુરમાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી ભારતીય વડાપ્રધાનનું સ્વાગત કરશે જે નાગરિક અભિનંદન સમારંભમાં ભાગ લેશે.
મોદી ૧૧ અને ૧ર મેના રોજ નેપાળમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાન મારફતે દિલ્હીથી પટના જશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે જનકપુર જશે.