(એજન્સી) તા.૪
૨૮ એપ્રિલના રોજ કર્ણાટકના હુલિકેરે ગામમાં બિરાશૈવ-લિંગાયતોએ માડીયા જિલ્લામાં મેલુકોટે વિધાનસભા મતક્ષેત્રમાંથી સ્વરાજ ઇન્ડિયાના ઉમેદવાર દર્શન કુટાનૈયાને પોતાનો ટેકો જાહેર કરવા એક મોટી ચૂંટણી રેલીનું આયોજન કર્યું હતું. કર્ણાટકમાં ૧૨ મેના રોજ ચૂંટણી છે. સ્વરાજ ઇન્ડિયા એ સ્વરાજ અભિયાનની પાંખ છે જેની સ્થાપના ૨૦૧૫માં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને આનંદકુમાર દ્વારા કરવામાં આવી હતી. ૨૦૦૦ની માનવ મેદનીને સંબોધનાર તમામે ધાર્મિક લઘુમતી દરજ્જા માટે લિંગાયત સમુદાયની માગણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેલુકોટેમાં ચૂંટણી જંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે કોંગ્રેસે યોગેન્દ્ર યાદવની પાર્ટી સ્વરાજ ઇન્ડિયાના ઉમેદવાર દર્શન કુટ્ટાનૈયા સામે કોઇ ઉમેદવાર નહીં ઊભો રાખવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે. હુલિકેરેમાં યોજાયેલ આ રેલીમાં માનવ મેદનીની અપેક્ષા હતી કે કુટ્ટાનૈયા લઘુમતી દરજ્જા માટેની તેમની માગણીને સમર્થન આપશે. જો કે તેમણે આ વિવાદાસ્પદ મુદ્દાને નહીં ઉછાળીને બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. તેના બદલે તેમણે ખેડૂતો માટે લડવાની પોતાની યોજના અંગે વાત કરી હતી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મારી ઉમેદવારીને કોંગ્રેસનો દેખીતો ટેકો છે તેનો અર્થ એ નથી કે ત્રિશંકુ વિધાનસભામાં મારે તેમને ટેકો આપવો પડશે. દર્શન કુટ્ટાનૈયા (ઉ.વ.૪૦) કર્ણાટક રાજ્ય રૈથાસંઘના નેતા કે એસ કુટ્ટાનૈયાના સૌથી મોટા પુત્ર છે. આ સંગઠન ૧૯૯૦ અને ૨૦૦૦માં અનેક આંદોલનો પાછળ જેનું પીઠબળ હતું એવું એક બિનરાજકીય કિસાન સંગઠન છે. સોફ્ટવેર પ્રોફેશનલ દર્શન કુટ્ટાનૈયા અમેરિકામાં ડેનવર ખાતે જેનું વડું મથક છે એ સોફ્ટવેર ક્વિનીક્સ ટેકનોલોજીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે અને તેની ઓફિસ મૈસૂર ખાતે છે કે જ્યાં ૭૦ કર્મચારીઓ કામ કરે છે.