(એજન્સી) અમૃતસર, તા. ૪
પાકિસ્તાનના કરાચીની જેલમાં બંધ ભારતીય કેદી જિતેન્દ્ર અર્જુનવારને પાંચ વર્ષ બાદ પાકિસ્તાને મુક્ત કર્યા છે. રેડ ક્રોસના અધિકારીઓએ ગુરૂવારે વાઘા સરહદે જિતેન્દ્રનું સ્વાગત કર્યું હતું. જિતેન્દ્ર ભારત આવ્યો ત્યારે અટારી-વાઘા સરહદે તેના પરિવારનો કોઇ પણ સભ્ય ઉપસ્થિત ન હતો. સરહદે ઝીરો લાઇનથી થોડાક મીટર દૂર રેડ ક્રોસની એમ્બ્યુલન્સ જિતેન્દ્રની રાહ જોઇ રહી હતી. ગુરુવારે બપોરે એક વાગ્યાના સુમારે જિતેન્દ્ર ભારતીય સરહદમાં આવ્યો હતો. સરહદે ઔપચારિકતાઓ પુરી કર્યા બાદ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી)માં જિતેન્દ્રે ૪૫ મિનિટ પસાર કરી હતી. ત્યાંથી સીધા તેને અમૃતસરની ગુરૂનાનક હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જિતેન્દ્રને જરૂરી તબીબી સારવાર અને ભોજન આપવામાં આવ્યું છે. જિતેન્દ્ર તેના પરિવારની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છે.
મધ્ય પ્રદેશના વતની ૨૧ વર્ષીય જિતેન્દ્ર બ્લડ ડિસઓર્ડરથી પીડિત છે અને તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર છે. ૨૦૧૩ની ૧૨મી ઓગસ્ટે જિતેન્દ્ર બેદરકારીમાં સરહદ ઓળાંગીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહોંચી ગયો હતો. પાકિસ્તાનના ખોખરાપારમાં પાકિસ્તાની રેન્જર્સે જિતેન્દ્રને પકડી લીધો હતો. ઘરેથી ભાગેલો જિતેન્દ્ર થોડાક મહિના સુધી ભટકીને ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે પહોંચી ગયો હતો. સિવની પોલીસે જિતેન્દ્રની નાગરિકતા પુરવાર કરતા દસ્તાવેજો ગૃહ અને વિદેશ મંત્રાલયોને મોકલ્યા બાદ વિદેશ મંત્રાલયે જિતેન્દ્રની ભારત વાપસીના સંકેત આપ્યા હતા. માનસિક રીતે નબળો જિતેન્દ્ર અન્ય ઘણા રોગોથી પણ પીડિત છે. તેની માતાએ જિતેન્દ્રના ઇલાજ માટે સરકારી મદદની અપીલ કરી છે.