(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૪
તાજેતરમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાવનગરના નેતા શકિતસિંહ ગોહિલની બિહારના પ્રભારી અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી પદે નિયુકત કરાતા અને આ નિયુકિત બાદ સૌપ્રથમવાર આજરોજ શકિતસિંહ ગોહિલ ભાવનગર પધારતા તેમનું સર્કીટ હાઉસ ખાતે આતિશબાજી સાથે ઉષ્માભર્યું કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે શકિતસિંહ સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોનું સ્નેહમિલન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે શકિતસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભાવનગર સાથે મારો જુનો નાતો છે. ભાવનગરથી જે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ છે. હાલમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને બિહારનો પ્રભારી બનાવ્યો છે અને પક્ષે મોટી જવાબદારી સોંપી છે. મારા માટે આ એક ચેલેન્જ છે. આ ઉપરાંત તેમણે ભાજપ સરકારની રીતિનીતિ સામે ઉગ્ર રોષ વ્યકત કરતા અને ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે અન્ય રાજયોના પ્રમાણમાં ગુજરાત રાજયનો વિકાસ થયો નથી. તે જ રીતે ભાવનગર શહેર જિલ્લાનો પણ વિકાસ થયો નથી. રો-રો ફેરી સર્વિસ, આલ્કોક એશડાઉન તેમજ ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપતા શકિતસિંહે જણાવ્યું હતું કે ઘોઘા ના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તેમજ શકિતસિંહે જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારી કરણ કરી દીધું છે. સરકારની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મળવું જોઈએ. પરંતુ આ સરકારે શિક્ષણ મોંઘુ કરી દીધું છે. ફી મોંઘી કરી દીધી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી અને શિક્ષિતોને તેના પ્રમાણમાં સરકારી નોકરીઓ મળતી નથી. ફિકસ પગાર અને કોન્ટેકટ પધ્ધતિ એક મોટુ દુષણ છે બે રોજગારોને નોકરી મળવી જોઈએ હાલમાં ઘણા જ સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે. પરંતુ આ ભાજપ સરકારની અણઆવડત અને ભ્રષ્ટાચારને કારણે શિક્ષિતોને નોકરી મળતી નથી. આ ઉપરાંત રાજયના ખેડૂતોના પણ બેહાલ થઈ ગયા છે. ખેડૂતોને પોતાના પરિવારનો નિભાવ કરવો પણ મુશ્કેલી બની ગયો છે. ખેડૂતોને સબસિડી મળવી જોઈએ. ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર મળવા જોઈએ પરંતુ પુરતા પ્રમાણમાં નહી મળતા ખેડૂતો પણ ત્રાહીમામ પોકારી ગયા છે. હાલની સરકાર જુદી જુદી પાણીની યોજનાઓ જાહેર કરે છે અને ફકત જેસીબી ઉપર બેસી ફોટા પડાવવાથી અને સસ્તી પ્રસિધ્ધીથી લોકોને પાણી મળી જવાનું નથી પાણી માટે આગોતરૂ આયોજન કરવું જોઈએ.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોશી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણભાઈ વાળા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, પૂર્વ્ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ભા.મ્યુ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, પૂર્વમેયર રમણીકભાઈ પંડયા પૂર્વ પ્રમુખ ડો. રાણીંગા, ઝવેરભાઈ ભાલિયા, અનિરૂધ્ધસિંહ ગોહિલ (રંગોલી), મેહુરભાઈ લવતુકા, મહાવીરસિંહ ગોહિલ (માયા), કાળુભાઈ બેલીમ, ઉપસ્થિત રહ્યા હતા.