(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
એફ.આર.સી.એ નક્કી કરી આપેલી ફી ઉપરાંત ટર્મ ફીનાં નામે કમરતોડ ફી વસુલ કરતી શહેરની શાળાઓનાં સંચાલકો સામે વાલીઓમાં પ્રચંડ રોષ ભભુકી ઉઠયો છે. આજે બંગીખાના ખાતે આવેલ બરોડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં વાલીઓએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. ભાજપ સરકાર શાળાનાં સંચાલકોનાં ખોળામાં બેસી ગઇ છે એવો આક્ષેપ કર્યો હતો.
શહેરનાં બંગીખાના ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં ધો.૨ થી ધો.૭ નાં વિદ્યાર્થીઓનાં વાલીઓ પાસે શાળાના સંચાલકો પાસે નક્કી કરી આપેલી ફી ઉપરાંત વધારાનાં ૪ હજારની માંગણી કરતાં વાલીઓ રોષે ભરાયા હતા. શાળા સંચાલકો અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. વાલીઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારમાં સંતાનોને ભણાવવા મુશ્કેલ થઇ ગયું છે. સરકારનું શાળા સંચાલકો ઉપર કોઇ નિયંત્રણ નથી. જેથી સંચાલકો સરકારને ગાંઠતા નથી. અને આડેધડ ફી વસુલ કરી રહ્યાં છે. વાલીઓ રજૂઆત કરવા જાય છે ત્યારે એલ.સી. આપી દેવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે. સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા વાલીઓને ખુશ કરવા માટે ઘટાડો કરતો પરિપત્ર જારી કર્યો હતો. જે પરીપત્રને શાળા સંચાલકો ધોઇને પી ગયા છે. સંચાલકો આડેધડ લૂંટ ચલાવી રહ્યાં હોવા છતાં સરકાર ચૂપકીદી સેવી રહી છે.