મોડાસા, તા.૪
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દાવત-એ-ઈસ્લામી સંચાલિત ફૈઝાને મદીના મસ્જિદમાં અચાનક આગ ફાટી નીકળતા નમાઝીઓ સાથે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની વિગતો અનુસાર મોડાસા શહેરના મખદૂમ ચોકડી પાસેના વ્યાપારીક તથા રહેઠાણથી મસ્જિદ ફૈઝાને મદીનામાં ગત ગુરૂવાર રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. અચાનક આગ લાગતા મસ્જિદમાં નમાઝ અદા કરતા નમાઝીઓ સાથે રહેઠાણ વિસ્તારના આસપાસના ઘરોના લોકોમાં ભયનો માહોલ સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને લોકો સાથે નમાઝીઓએ એકધારી જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. અચાનક લાગેલી આ આગ વિદ્યુત બોર્ડના મીટરમાં શોર્ટ સર્કિટ અથવા વોલ્ટેજ વધ-ઘટ થવાના લીધે લાગી હોવાનું અનુમાન લોકો કરી રહ્યા છે. વારંવાર વોલ્ટેજની વધ-ઘટની યુજીવીસીએલ કચેરીએ અસંખ્ય રજૂઆતો થઈ છે અને આગ ફાટી નિકળી મોટી જાન-માલની હાનિ નિવારવા વિદ્યુત બોર્ડ યોગ્ય પગલાં ભરી વોલ્ટેજ રેગ્યુલેટ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ખાસ બાબત એ હતી કે અચાનક ફાટી નીકળેલ આગમાં નમાઝીઓ સાથે અન્ય લોકો હેમખેમ રહ્યા હતા.