(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૪
વલસાડમાં સરકારી અનાજનો મોટો જથ્થો સગેવગે થઇ તેને બજારમાં કાળા બજાર તરીકે વેંચવાનું મોટું રેકેટ ચાલતું હોવાની બાતમી રૂરલ પોલીસને મળતાં પોલીસે ગુંદલાવ ખાતેના એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે રૂા.૧૬ લાખની કિંમતના ૮૦ હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મળતી વિગત મુજબ બાતમીના આધારે પોલીસે ગુંદલાવ જીઆઇડીસીમાં એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જીતેન્દ્ર વાલજી ભાનુશાળી, ઇસ્માઇલ હરીસીંગ રાણા, અને પ્રકાશ બલ્લુભાઇ નાયકા સરકારી અનાજના મોટા જથ્થાને ટ્રકમાં ભરી ગોડાઉન પર ઉતારતા જોવા મળ્યા હતા. પોલીસને ટ્રકમાંથી મધ્યપ્રદેશ સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશનના વલસાડ આવેલા સરકારી માર્કાવાળી ૫૦ કિલોના ૨૪૫ કટ્ટા જેની કિંમત રૂા.૨.૪૫ લાખ મળી આવ્યા હતા. આ સિવાય તેમના ગોડાઉનમાંથી આવાજ માર્કા વાળા અન્ય ૨૯ કટ્ટા કિં. રૂા.૨૯ હજારના અને સરકારી માર્કા વિનાના ૧૨૬ કટ્ટા કિં.રૂા.૧.૨૬ લાખ તેમજ ૬૦ હજાર કિલો ઘઉંનો ઢગલો કિં. રૂા.૧૨ લાખનો મળી આવ્યો હતો.