(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
શહેર સહિત સમગ્ર દેશમાં ચકચારીત પાંડેસરા ડબલ મર્ડર, બળાત્કાર પ્રકરણમાં ઝડપાયેલ એક માત્ર આરોપી હરસહાય ગુર્જરના વધારાના એક દિવસના રિમાન્ડ સાંજે પૂરા થાય છે. હજુ સુધી આ પ્રકરણમાં સહ આરોપીની ધરપકડ થઈ નથી. તેમજ મહિલાના પતિની પૂછપરછ પણ બાકી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ૬ એપ્રિલના રોજ પાંડેસરા જીયાવ-બુડીયા રોડ પરથી ૧૧ વર્ષીય માસુમ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેના બે દિવસ બાદ મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. ડબલ મર્ડર અને બળાત્કાર પ્રકરણમાં હરસહાય ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. જેના રિમાંડ આજે સાંજે પૂરા થાય છે. મૃતક મહિલા અને બાળકીની ઓળખ રાજસ્થાનના સીકરની હોવાની થઈ છે. રાજસ્થાનથી મહિલા અને બાળકીને સુરત લાવનાર કુલદીપ ગુર્જર પાસે માતા-પુત્રી બંને કેવી રીતે આવ્યા ? મહિલાનો પતિ સામે મહિલાના પિતાએ શંકા વ્યક્ત કરતી અરજી રાજસ્થાન પોલીસ સમક્ષ કરી છે. મહિલાનો પતિની પૂછપરછ કરવાની બાકી હોવાથી ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી હરસહાય ગુર્જરની જ ધરપકડ થઈ છે. કારમાં હત્યા કરતી વખતે હાજર હરિઓમ ગુર્જરની હજુ સુધી ધરપકડ થઈ નથી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હરિઓમ ગુર્જર, કુલદીપ ગુર્જર અને હરસહાયની પત્ની રમાદેવી ઉપર વોચ રાખી છે. તેઓની પૂછપરછ થઈ ચૂકી છે. આજ કાલમાં ધરપકડ થાય તેવી શક્યતા વર્તાઇ રહી છે.