(એજન્સી) જૌનપુર, તા.૪
વર્ષ ર૦૧૦માં ઓલંદગંજમાં ચક્કાજામ કરીને પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ્નું પૂતળું ફૂંકવાના કેસમાં સીજેએમે ઝફરાબાદના ભાજપના ધારાસભ્ય ડૉ.હરેન્દ્રસિંહની વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું છે. આ કેસની સુનાવણી આગામી ૧૯ જૂનના રોજ થશે. વર્ષ ર૦૧૦માં સિપાહી મનોજ તેમજ રાજેન્દ્રએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવી હતી કે ર૮ ઓગસ્ટ ર૦૧૦ના રોજ અજય પાંડેય, ડૉ.ઈશ્વર દેવ, રાકેશ વગેરેએ પી.ચિદમ્બરમનું પૂતળું લઈને પ્રદર્શન કર્યું અને ઓલંદગંજમાં રસ્તો જામી કરી દીધો. ત્યારબાદ પૂતળાંનું દહન કરીને વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા. આ કેસમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપીની ધરપકડ પણ થઈ અને તેમને જામીન પણ મળ્યા. ત્યારબાદ ડૉ.હરેન્દ્ર ઘણી મુદ્દત પડી હોવા છતાં કોર્ટમાં હાજર થયા નહોતા. આ કોર્ટે તેમની વિરૂદ્ધ પહેલાં જામીનપાત્ર વોરંટ જારી કર્યું. એક વર્ષ પહેલાં પોલીસે કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો કે ડૉ.હરેન્દ્ર ભાજપાના ધારાસભ્ય છે અને આ સમયે ઘરે નથી પરંતુ વિદેશમાં છે ત્યારે કોર્ટે તેમની ધરપકડનું વોરંટ જારી કર્યું. આ દરમિયાન શાસન દ્વારા કેસ પાછો ખેંચવાની પણ વાત સામે આવી હતી અને પત્રાવલીનું વર્ણન તૈયાર થયું. પરંતુ આગળની કાર્યવાહી ના થઈ. કોર્ટે એકવાર ફરી બુધવારે એમ.એલ.એ.ની ધરપકડનું વોરંટ જારી કર્યું છે.