(એજન્સી) મુંબઇ, તા. ૪
મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા બે વર્ષથી જેલની સજા કાપી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી છગન ભૂજબળને શુક્રવારે બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. છગન ભૂજબળને માર્ચ ૨૦૧૬માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને એક શરત પર જામીન આપવામાં આવ્યા છે કે, તેઓને જ્યારે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમન્સ આપે ત્યારે તેમણે હાજર રહેવાનું રહેશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો છે કે, છગન ભૂજબળે વિવિધ સરકારી કોન્ટ્રાક્ટ ખોટી રીતે આપી દીધા હતા જેમાં દિલ્હીના મહારાષ્ટ્ર સદનનો પણ સમાવેશ થાય છે તેઓ આ પ્રકરણમાં ૮૭૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા છે. ઇડીએ દાવો કર્યો છે કે, આ નાણાંના ભાગરૂપે ભૂજબળે વિદેશમાં નાણાં ઠાલવ્યા હતા અને વિવિધ બનાવટી કંપનીઓ દ્વારા દેશના વિવિધ ખૂણામાં આ નાણાં પરત મંગાવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની જામીન અરજી સ્પેશિયલ પીએમએલએ કોર્ટે ફગાવ્યા બાદ ૭૧ વર્ષના છગન ભૂજબળ જામીન માટે બોમ્બે હાઇકોર્ટમાં ગયા હતા. ભૂજબળના વકીલોએ દલીલ કરી હતી કે, છગન ભૂજબળ બે વર્ષની જેલ કાપી ચૂક્યા છે જ્યારે આ કેસમાં વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાની જોગવાઇ છે. પોતાના જેલ કાળમાં ભૂજબળ હોસ્પિટલમાં દાખલ પણ રહ્યા હતા. આ વર્ષે માર્ચમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી હતી કે જો તેમના નેતાને આગામી દિવસોમાં જેલમાં કાંઇ થશે તો તેમના જવાબદાર તેઓ હશે.
છગન ભૂજબળ : શાકભાજી વેચતા હતા, બાલ ઠાકરેએ બ્રેક આપી હતી પણ એક દિવસ તેમની ધરપકડ કરાવી
એનસીપીના નેતા છગન ભૂજબળ એક સમયે ઉધાર નાણાં લઇ શાકભાજી વેચતા હતા. આજે તેમના પર ૮૦૦ કરોડ કરતાં વધુના કૌભાંડનો આરોપ છે. ભૂજબળ ઇડી દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં ૧૪મી માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે, ૨૦૦૪-૧૪ સુધી કોંગ્રેસ-એનસીપીની સરકારમાં પીડબલ્યુડી મંત્રી રહેતા તેમણે ભ્રષ્ટાચાર કર્યો હતો. ભૂજબળ અને તેમના ભાઇ-બહેન નાસિકના બગવનપુરાની ગલીઓમાં મોટા થયા. અહીં તેમનો પરિવાર મુસ્લિમ પરિવારો સાથે ખભે ખભા મિલાવી રહેતો હતો. ભૂજબળ બે વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનું મોત થયું હતું. ભૂજબળે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ તથા ભાઇ-બહેનોને તેમના કાકી જાનકીબાઇએ મોટા કર્યા હતા તેમને તેઓ દાદી કહેતા હતા. ભૂજબળ રોજ સવારે ચાલતા શાકભાજી માર્કેટ જતા હતા. અહીં માલી જાતિના લોકોના નાણાં એકઠા કરી બંને ભાઇ શાકભાજી ખરીદતા હતા અને કાકી સાથે મળીને મઝગાંવમાં તેને વેચતા હતા. માટુંગામાંથી એન્જિનિયર થયેલા છગન ભૂજબળ શિવાજી પાર્કમાં શિવસેના પ્રમુખ બાલ ઠાકરેની રેલીમાં આવ્યા હતા. અહીં તેઓ સેના પ્રમુખના ભાષણથી પ્રેરિત થતાં તેઓ શિવસેનામાં જોડાયા હતા. વર્ષ ૧૯૭૩માં ઠાકરેએ તેમને કોર્પોરેટર બનવામાં મદદ કરી હતી. તે બાદ તેઓ બે વખત મેયર બન્યા. ૧૯૮૫માં મઝગાંવથી શિવસેનાના ધારાસભ્ય બન્યા અને બે વખત જીત્યા. જો કે, શિવસેનાથી તેમને અંતે આભડછેટ થઇ અને ૧૯૯૧માં મંડલ આંદોલન ચરમસીમાએ હતું ત્યારે પાર્ટી છોડી દીધી હતી કેમ કે શિવસેના પણ અનામતની વિરોધી હતી. ત્યારબાદ તેમણે પોતાને ઓબીસી નેતા તરીકે રજૂ કર્યા પણ તેઓ કહેતા હતા કે તેઓને કોરાણે મૂકી દેવાયા હતા તેથી પાર્ટી છોડી. ૧૯૯૦માં જ્યારે શિવસેના અને ભાજપે ૮૫ બેઠકો જીતી ત્યારે તેઓ વિચારતા હતા કે તેમને વિપક્ષના નેતા બનાવાશે પણ ઠાકરેએ મનોહર જોશીને વિપક્ષના નેતા બનાવ્યા. શિવસેના છોડ્યા બાદ ભૂજબળ કોંગ્રેસમાં જોડાયા. તેઓ ૧૦ દિવસ નાગપુરમાં હતા ત્યારે તેમને ડર લાગ્યો કે શિવસેના તેમના પર હુમલો કરશે. શરદ પવારે કોંગ્રેસ છોડી એનસીપી બનાવી ત્યારે તેઓ એનસીપીમાં જતા રહ્યા. તે જ વર્ષે કોંગ્રેસ-એનસીપીની સરકાર બની અને ભૂજબળને નાયબ મુખ્યમંત્રી બનાવાયા. આ સાથે તેમની પાસે ગૃહમંત્રાલય પણ હતું. તેમના મંત્રીપદમાં તેમણે બાલ ઠાકરેની ધરપકડના આદેશને મંજૂરી આપી હતી. બાલ ઠાકરે પર શિવસેનાના મુખપત્રમાં ભડકાઉ લેખ લખવાનો આરોપ હતો. ધરપકડની કેટલીક કલાકો બાદ ઠાકરેને જામીન મળી ગયા હતા. જો કે, બાદમાં ઠાકરે પરિવારે ભૂજબળ વિરૂદ્ધ જંગ છેડ્યો. બાંદ્રામાં મુંબઇ એજ્યુકેશન ટ્રસ્ટની વિશાળ ઇમારત છગન ભૂજબળના સામ્રાજ્યની સાક્ષી પૂરે છે. આ ટ્રસ્ટ બાદમાં વિસ્તરીને નાસિકમાં પણ પહોંચ્યું. ત્યારબાદ ભૂજબળે નાસિક તથા લોનાવાલામાં અન્ય જમીનો ખરીદી. નાસિકમાં તેમનું ભૂજબળ ફાર્મ છે. તેમણે ભૂજબળ ફાર્મમાં કામ કરાવ્યું તેની ૧૧ કરોડની લોન ચૂકવી નહોતી. ભૂજબળના દબદબાને કારણે તેમની વિરૂદ્ધ કોઇ કાંઇ બોલતું નહોતું. ઈડીએ બાંદ્રા તથા સાંતાક્રૂઝમાં તેમની સંપત્તિઓ જપ્ત કરી છે જેની કિંમત ૨૫૦ કરોડ છે.