(એજન્સી) રોહતક, તા. ૪
હરિયાણામા ગુરગાંવમાં હિંદુવાદી જૂથોએ કેટલીક ખુલ્લી જગ્યામાં મુસ્લિમોને જુમ્માની નમાઝ પઢતા અટકાવ્યા હતા. અહેવાલ અનુસાર ગુરગાંવના એક વિસ્તારમાં આશરે ૭૦૦ મુસ્લિમો દરેક જુમ્માની નમાઝ પઢી રહ્યા હતા ત્યારે કેટલાક હિંદુવાદી તત્ત્વોએ તેમને નમાઝ પઢતા અટકાવ્યા હતા ત્યાથી આ વિવાદ ચાલુ છે. ગામલોકોએ કહ્યું હતું કે, સરકારે જમીન આંચકી લેતા તેઓ આ વિસ્તારમાં નમાઝ પઢવા માટે મજબૂર બન્યા છે. આશરે ૧.૩૦ કલાકે સંયુક્ત હિંદુ સંઘર્ષ સમિતીના સભ્યો દ્વારા ૧૦ ખુલ્લી જગ્યામાં નમાઝ પઢતા મુસ્લિમોને અટકાવ્યા હતા જેમાં કટારિયા ચોક, સિકંદરપુર, સાયબર પાર્ક સેક્ટર ૪૦, વઝીરાબાદ અને મહારૌલીનો સમાવેશ થાય છે. આ સમિતી સ્થાનિક ૧૨ હિંદુવાદી જૂથોની આગેવાની કરે છે. જેમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ, શિવસેના, હિંદુ જાગરણ મંચ અને અખિલ ભારતીય હિંદુ ક્રાંતિ દળનો સમાવેશ થાય છે. અખિલ ભારતીય હિંદુ ક્રાંતિ દળના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર રાજીવ મિત્તલે કહ્યું હતું કે, મુસ્લિમોએ ખુલ્લી જગ્યામાં નમાઝ પઢવા માટે તંત્રની પરવાનગી લેવી જોઇએ. મિત્તલે કહ્યું હતું કે, તેમના સંગઠને મુસ્લિમોને આશરે ૧૦ સ્થળોએ નમાઝ પઢતા અટકાવ્યા હતા. અમે આ ચાલવા દઇશું નહીં. જોકે, કોઇ કાયદો વ્યવસ્થા જળવાઇ નથી. અમારી ચોખ્ખી માગ છે કે, સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લો. બજરંગ દળના સભ્યે જણાવ્યું હતું કે, અમે શુક્રવારે ખુલ્લામાં નમાઝ પઢતા મુસ્લિમોને શોધીએ છીએ અને તેમને અટકાવીએ છીએ. કારણ કે તેઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડે છે.