(એજન્સી) તા.૪
અલીગઢ મુસ્લિમ યુનિ.માં મોહમ્મદ અલી ઝીણાની તસવીરને કારણે ઊભા થયેલા વિવાદને લીધે અલીગઢ વહીવટી તંત્રએ અલીગઢમાં ધારા ૧૪૪ લાગુ કરી હતી. આ ઉપરાંત અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે બપોરે ર વાગ્યાથી મધરાત સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ એસ.બી.સિંઘે કહ્યું હતું કે, સોશિયલ નેટવર્કીંગ સાઈટસ પર કોમવાદી સંદેશાઓ ફરતા રોકવા માટે શુક્રવારે બપોરે ર વાગ્યાથી મધરાતે ૧ર વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવશે. આ અગમચેતીનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે યુનિ.માંથી ઝીણાની તસવીર હટાવવા માટે એક જમણેરી સંગઠન ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુનિ.માં બિનઅધિકૃત રીતે પ્રવેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરનાર જમણેરી સંગઠનના કાર્યકરો વિરૂદ્ધ જ્યારે ગુરૂવારે યુનિ.ના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કરી ટીયરગેસ સેલ છોડતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અલીગઢ મુસ્લિમ યુનિ.ના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હિન્દુ યુવાવાહિનીના કાર્યકરોએ વિદ્યાર્થીઓ સાથે હિંસા આચરી હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી ન હતી.
એએમયુ વિવાદ : ભાજપને ઠપકો આપતાં ગોરખપુરના સાંસદે
કહ્યું કે ઝીણાએ પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો
ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિ.માં લાગેલી મોહમ્મદ અલી ઝીણાની તસવીર બાબતે ચાલી રહેલા વિવાદ વિશે ગોરખપુરના સાંસદ પ્રવિણ નિષાદે શુક્રવારે કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂની જેમ મોહમ્મદ અલી ઝીણાએ પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. નિષાદે કહ્યું હતું કે ભાજપ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે અને તે અતિ નિંદનીય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય લાભ ખાટવા ભાજપ કોમી લાગણીઓ ઉશ્કેરી રહી છે. નિષાદે કહ્યું હતું કે હિન્દુઓની જેમ મુસ્લિમોએ પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેઓનું યોગદાન સારી રીતે નોંધાયેલું છે. આ પ્રકારના મુદ્દાઓ ઊભા કરી ભાજપ લોકોને ધર્મ અને જાતિના આધારે વિભાજીત કરી રહી છે. જ્યારે આપણે શહીદ-એ-આઝમ ભગતસિંહ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે અશફાકુલ્લાખાન અને વીર અબ્દુલ હમીદને પણ યાદ કરીએ છીએ. જેમણે દેશ માટે જાન આપી દીધી હતી. ભાજપ ઈચ્છે છે કે લોકો તેઓનું યોગદાન ભૂલી જાય.
હવે અલીગઢ મુસ્લિમ યુનિ.ના સ્થાપક સર સૈયદ અહેમદખાનની તસવીરને લક્ષ્યાંક બનાવવામાં આવી
મોહમ્મદ અલી ઝીણાની તસવીરને લઈ હજી વિવાદ ચાલે છે તયાં અલીગઢ મુસ્લિમ યુનિ.ના સ્થાપક સર સૈયદ અહેમદ ખાનની તસવીરને લક્ષ્યાંક બનાવવામાં આવી હતી. ખૈર સ્થિત પી.ડબ્લ્યુ.ડી.ના ગેસ્ટ હાઉસમાં લાગેલી સર સૈયદ અહેમદ ખાનની તસવીરને અધિકારીઓએ હટાવી લીધી હતી. ગેસ્ટ હાઉસમાં અન્ય મહાપુરૂષોની સાથે જ ભીંત પર સર સૈયદ અહેમદ ખાનની તસવીર લાગેલી હતી. કોઈના પણ ધ્યાનમાં ન આવે તે રીતે પી.ડબ્લ્યુ.ડી.ના અધિકારીઓએ આ તસવીર હટાવી લીધી હત. પરંતુ આ વાત લોકોના ધ્યાનમાં આવી જતા બધા પી.ડબ્લ્યુ.ડી. અધિકારીઓ મૌન થઈ ગયા હતા. આ વિશે કોઈપણ અધિકારી કશું બોલવા માટે તૈયાર નથી. સાંસદ સતીશ ગૌતમે કહ્યું હતું કે આ બાબત વિશે મને કોઈ જાણકારી નથી અને તસવીર હટાવવાની ઘટના સાથે મારે કોઈ લેવા-દેવા નથી. જ્યારે પી.ડબ્લ્યુ.ડી.ના વરિષ્ઠ અધિકારી પ્રદીપ રત્નમે કહ્યું હતું કે પી.ડબ્લ્યુ.ડી. ગેસ્ટ હાઉસમાં સર સૈયદ અહેમદ ખાનની તસવીર લાગેલી છે કે નથી એ વિશે મને કોઈ જાણકારી નથી.