અમદાવાદ, તા.૪
ગુજરાત ખાતે મુલાકાત લેવા આવેલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ માનવ અધિકારોના ભંગના કેસો મૂકવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય પંચના સભ્યો ગુજરાત માનવ અધિકાર પંચ વિશે પ્રવર્તી રહેલ પરિસ્થિતિ જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. એમણે નોંધ્યું કે ગુજરાતમાં માનવ અધિકારોના રક્ષણના દાવાઓ સાવ પોકળ છે. સરકાર પંચની ધરાર અવગણના કરી રહી છે. એમણે નોંધ્યું કે છેલ્લા ૬ મહિનાથી રાજ્ય સરકારે પંચના અધ્યક્ષની નિમણૂક જ કરી નથી. સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના પંચમાં બે સભ્યો પણ નથી જે હોવા જોઈએ જેથી અમે આવેલ કેસોને પોલીસને તપાસ માટે આપીએ છીએ. માનવ અધિકારોના ગંભીર ભંગ જેમ કે કસ્ટોડિયલ મૃત્યુ બાબતના કેસો હાથમાં લેતા જ નથી. એક આરટીઆઈ અરજી દ્વારા માહિતી મળી હતી કે ગુજરાતમાં ર૦૧૭ના વર્ષમાં કસ્ટોડિયલ મૃત્યુની પપ ઘટનાઓ બની હતી. પંચને પપ૩ કેસો મળ્યા હતા. જેમાં કસ્ટોડિયલ મૃત્યુના કેસો પણ હતા જેમાંથી ૬૦ કેસો હજુ પડતર છે. સરકારના પ્રવકતાએ જણાવ્યું કે, છેલ્લે આ હોદ્દા ઉપર જજ ભગવતી પ્રસાદ હતા એમના મૃત્યુ પછી નવી નિમણૂક કરાઈ નથી. વધુમાં બે સભ્યો એક વર્ષ પહેલાં છોડી ગયા હતા. રજિસ્ટ્રારનો હોદ્દો પણ ખાલી છે. પંચના કેસોની તપાસ કરતા વધારાના એડીજીપીએ પુષ્ટિ કરી કે સરકારે પંચમાં સભ્યો અને અધ્યક્ષની નિમણૂક કરી નથી. ચળવળકારી કૌશિક પરમારે કહ્યું કે ખાલી પડેલ જગ્યાઓ દર્શાવે છે કે સરકાર માનવ અધિકારોના રક્ષણ માટે કેટલી બેદરકાર છે.