અમદાવાદ, તા.૪
કાળઝાળ ગરમીને લીધે રાજ્યભરમાં લોકો એકાદ સપ્તાહથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હજુ પણ લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે જૂન મહિનામાં ત્રીજા સપ્તાહમાં ચોમાસુ બેસશે તેવી શક્યતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યભરમાં મહત્તમ તાપમાન આંશિક ઘટાડા વચ્ચે પણ લોકો કાળઝાળ ગરમીનો સામનો કર્યો હતો. સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રી તાપમાન સાથે સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં થઈ રહેલા એકધારા વધારાને પગલે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે લૂ લાગવાના બનાવો મોટાપાયે વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કેટલાક સ્થળોએ હાલ ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં પણ ગરમીમાં કોઈ રાહત મળે તેવા સમાચાર નથી આજે રાજ્યમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં ૪ર.૭ અમરેલીમાં ૪૧.૭, ઈડરમાં ૪૧.૬, ભૂજમાં ૪૧.૪, ડીસામાં ૪૧.ર, ગાંધીનગર ૪૧, અમદાવાદમાં ૪૦.૮ કંડલામાં ૪૦.૬ અને આણંદમાં ૪૦.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજસ્થાનમાં આવેલા વંટોળને જોતા આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૩.૩
રાજકોટ ૪ર.૭
અમરેલી ૪૧.૭
ઈડર ૪૧.૬
ભૂજ ૪૧.૪
ડીસા ૪૧.ર
ગાંધીનગર ૪૧.૦
અમદાવાદ ૪૦.૮
કંડલા ૪૦.૬
આણંદ ૪૦.પ