(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૭
ઈંગ્લેન્ડમાં તાજેતરમાં યોજાયેલી કાઉન્સિલની ચૂંટણીમાં મૂળ ભરૂચ જિલ્લાના અરગામા ગામની તેમજ વોરા સમનીના દિગ્ગજ આગેવાન મર્હૂમ ખાન સાહેબની પ્રપૌત્રી હસીનાખાને ચોર્લી કાઉન્સિલમાં સતત ચોથીવાર વિજેતા બની ઈતિહાસ રચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈંગ્લેન્ડના ચોરલી ટાઉનમાં વોર્ડ કાઉન્સિલમાં મૂળ અરગામા ગામની દીકરી હસીનાખાને લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં સતત ચોથીવાર ઝંપલાવ્યું હતું. જેમાં કુલ ૧૪૦૦ મતમાંથી ૯૦૦ મત મેળવી હસીનાખાને કન્ઝર્વેટીવ પાર્ટીના હરીફ ઉમેદવારને લાંબી સરસાઈથી હરાવી વિજય હાંસલ કરતા વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભરૂચ જિલ્લામાં ખુશીનું મોજુ પ્રવર્તી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે હસીનાખાનના સામાજિક પ્રત્યાર્પણ માટે અગાઉ ઈંગ્લેન્ડના મહારાણી દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું. સતત ચોથીવાર વિજેતા બનેલ હસીનાખાન આગામી સમયમાં ચોરલી ટાઉનના મેયર બને તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.