(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
ગુજરાત સરકારના મહેસૂલ, શહેરી-વિકાસ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર માટે બદનામ હોવાનો આજે જાહેરમાં એકરાર કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેતીની જમીન એન.એ. કરવામાં તથા બાંધકામોના પ્લાન-નકશામાં ભારે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અમને જાણ છે. જો કે આ બધું બંધ કરાવવા માટે સરકાર તે દિશામાં આગળ વધી રહી છે. ખોટું કરનારા બે ટકા લોકો જ છે બાકી પ્રમાણિક છે પરંતુ ખોટું કરનારાને પણ છોડવામાં આવશે નહીં તેવી ચીમકી મુખ્યમંત્રીએ ઉચ્ચારી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી)નો પ્રારંભ કરાવતા કહ્યું કે, આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.
ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવ પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓનલાઈન વ્યવસ્થા વિકસાવી પારદર્શિતાથી કયાંય કોઈને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓનલાઈન કામ થઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે.
મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રના અભિનવ આયામો એવા ત્રિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ૧રપ ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુક્તિ આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મૂક્યો છે કે તે ખોટું નહીં જ કરે. મુખ્યમંંત્રીએ આ ઓનલાઈન પદ્ધતિ શરૂ કરવા સાથે ૧૬ર નગરપાલિકાઓના વહીવટને જવાબદેહ અને સ્થાનિક સ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્તાધિકારો સાથે શરૂ કરવાની પહેલ ગુજરાતે કરી છે તેમ પણ જણાવ્યું હતું.
રાજ્યના સમગ્ર નગરપાલિકા તંત્રને અન્ડર વન અમ્બ્રેલા લાવવાની આ પહેલ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને શો કેશ કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શહેરી સુધરાઈઓ – લોક વિકાસના કામોમાં કોઈ ગેરરીતિ – ભ્રષ્ટાચાર કે ખોટી કાર્યપ્રણાલીને અવકાશ જ ન રહે તે માટે આ ઓનલાઈન પધ્ધતિ શરૂ કરી છે.
રાજ્યમાં બાંધકામની મંજૂરી
ઓનલાઈન ર૪ કલાકમાં !
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૭
ગુજરાતમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને રાજય સરકારે અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે માત્ર ર૪ કલાકમાં આપવાનો નિર્ણય કર્યો છે જેનો આજથી રાજયભરમાં આરંભ થયો છે. માનવ હસ્તક્ષેપ રહિતની ડિજિટલ સીસ્ટમ ધરાવતી દુનિયાના કોઈપણ ખૂણેથી મંજૂરી માટે અરજી કરવાની સુવિધા મળશે જેથી ત્વરિત મંજૂરીઓ સહિતની સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી હતી તે હવે માત્ર ર૪ કલાકમાં મળશે.