(એજન્સી) લખનૌ, તા. ૭
અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાના ઘરેણાંની ચોરીની ઘટના સામે આવી છે. રામલલ્લાના મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રએ આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા બે દાયકામાં કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. રામ જન્મભૂમિના દર્શને આવતા લોકો કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે પરંતુ આ દાનનો કોઇ જ હિસાબ સ્થાનિક તંત્ર પાસે નથી. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીના આ ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરના સંચાલન માટે આપવામાં આવતી રકમમાં ઘટાડો થતાં આચાર્ય સત્યેન્દ્ર ખોટો આરોપ લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા રામનવમીની ઉજવણી દરમિયાન ૫૧ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જો કે, તંત્રએ માત્ર ૪૧ હજાર રૂપિયા આપતા મંદિરના પૂજારીઓ તંત્રથી નારાજ થયા હતા અને આ મામલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પણ પહોંચ્યો હતો. જો કે નવાઇની વાત એ છે કે, જે રામજન્મભૂમિનો મુદ્દો ઉઠાવીને ભાજપ સરકાર સત્તામાં આવી છે. પરંતુ હવે મંદિર પર જ સ્થાનિક તંત્ર પૂરતું ધ્યાન આપી નથી રહ્યું. એટલે આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ છે.