નવી દિલ્હી, તા.૭
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સત્તાવાર રીતે સૂચિત કરી દીધું છે કે ભારત આ વર્ષના અંતમાં પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ નહીં રમે. સી.એ. ગુલાબી બોલથી ડે-નાઈટ મેચના આયોજન પર ભાર મૂકી રહ્યું હતું. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંયાનો પ્રવાસ કરનારી ટીમો ડે-નાઈટ મેચ રમતી રહી છે પણ ભારતીય બોર્ડે સ્પષ્ટતા કરી છે કે તે લાલ બોલથી પરંપરાગત મેચો જ રમશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના નેતૃત્વવાળા ભારતીય ટીમ મેનેજમેન્ટે સંચાલકોની સમિતિને જણાવ્યું કે, ટીમને ડે-નાઈટ ટેસ્ટ મેચની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૮ મહિનાની જરૂર પડશે. ત્યારબાદ કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીને સીએના પ્રમુખ કાર્યકારી જેમ્સ સદરલેન્ડ સુધી પત્ર પહોંચાડવા માટે કહેવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ઘરેલું ધરતી ઉપર અત્યારસુધી કોઈ ડે-નાઈટ ટેસ્ટ મેચ ગુમાવી નથી.