(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
સુરત જિલ્લાના કડોદરા પાસે આવેલા એક ટ્રાન્સપોર્ટના કર્મચારી પર વીસેક ઇસમોએ ચાકુ તથા લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેથી કર્મચારી શરીરે ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે આ ઘટનામાં રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પુણા-કુંભારીયા રોડ પરના પંચવટી બંગ્લોઝમાં નિરજ રાજકુમારસિંગ રહે છે. ૩૧ વર્ષનો આ યુવક કડોદરા પાસે આવેલા એક ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. ગત દિવસોમાં મૂળ ઉત્તર પ્રદેશ ગોરખપુર જિલ્લાના વતની અને હાલમાં ગોડાદરા આસપાસ દાદાના મંદિર પાસે રહેતાં મૃત્યુજયસિંગ માયારાજસિંગ ઠાકુર તથા ગોડાદરા નહેર ભક્તિનગર ખાતે રહેતાં સંજય માલી સહિત ૨૦ આરોપીઓએ નિરજકુમાર તથા તેમના મિત્રો પર લોખંડના સળિયા તેમજ ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.