(એજન્સી) તા.૩
કઠુઆમાં જે આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી તેના પિતાએ રવિવારે કહ્યું હતું કે, તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે તેમની જીંદગી તેમની દીકરી માટે ન્યાય મેળવવા માટે અર્પણ કરી દીધી છે. પીડિતાના પિતાએ સત્તાવાર ન્યૂઝ એજન્સી સાથે ટેલિફોન દ્વારા કરેલી વાતચીતમાં જણાવ્યું હતુું કે, પોલીસ તપાસથી હું સંતુષ્ટ છું અને આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી ઝંપીને નહીં બેસું. હું ઈચ્છું છું કે, તેમની નિર્દયતા બદલ આરોપીઓને ઉદાહરણરૂપ સજા કરવામાં આવે. પોતાના પરિવાર, મિત્રો અને તેમની વકીલ દીપિકાસિંઘ રાજાવત પર સતત તોળાતા ભયને કારણે પીડિતાના પિતાએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે કહ્યું હતું કે, તે પીડિતાના પિતાએ કેસને ચંદીગઢમાં સ્થળાંતરિત કરવા માટે કરેલી અરજી અને આ કેસના આરોપીઓએ તપાસ સીબીઆઈને સોંપવા માટે કરેલી અરજી વિશે સુનાવણી કરશે.