(એજન્સી) નવી દિલ્હી, તા.૭
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા રવિવારે નમાઝ મસ્જિદ, ઈદગાહ અથવા ખાનગી સ્થાનો પર પઢવી જોઈએના નિવેદન પર વિપક્ષના નેતાએ તીવ્ર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુું કે નમાઝની સમકક્ષ જ રાજ્યમાં પણ શેરીઓ અને પાર્કમાં જાગરણ અને યોગાના કાર્યક્રમો યોજાય છે. કોંગ્રેસ અને આઈએનએલડી બન્ને પક્ષોએ સત્તારૂઢ ભાજપ પર વર્ષ ર૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલાં હિન્દુ મતદાતાને આકર્ષવા માટે ઈરાદાપૂર્વક કોમી કાર્ડ રમી રહ્યું હોવાનો આરોપ મૂકયો છે. ત્યારબાદ ભગવાધારી ખટ્ટરે તેમનું વલણ સ્પષ્ટ કરવા કથિતરીતે કહ્યું હતું કે નમાઝ મસ્જિદ અથવા ઈદગાહમાં પઢવી જોઈએ અને જો જગ્યા ટૂંકી પડતી હોય તો મુસ્લિમોએ તેમના ખાનગી સ્થળો પર નમાઝ પઢવી જોઈએ. સીએમ ખટ્ટરે પોતાના નિવેદન પરથી ફેરવી તોળતાં જણાવ્યું કે, તેમણે કોઈને પણ નમાઝ પઢતા કયારેય રોકયા નથી. ભૂપેન્દ્રસિંહ હુડાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના વીજમંત્રી કેપ્ટન અજય યાદવે જણાવ્યું કે, ગુરૂગ્રામમાં મુસ્લિમો એક દાયકાથી ખુલ્લી જગ્યામાં નમાઝ પઢે છે અને અત્યાર સુધી બધુ સરળ હતું પરંતુ ર૦૧૯ની આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને તેઓ સમાજને ધર્મના નામે વિભાજિત કરી રહ્યા છે. કેપ્ટને જણાવ્યું કે હિન્દુ મતદારોને આકર્ષવા માટે આ એક સ્પષ્ટ રાજકીય દાવ છે. કેપ્ટને જણાવ્યું કે, મુખ્યમંત્રી ખટ્ટરે આવા નિવેદનો કરવાને બદલે મુસ્લિમોને નમાઝ પઢવા માટે મોટી જગ્યા આપવી જોઈએ. મુસ્લિમો પાસે નમાઝ પઢવા જગ્યા ન હોવાથી તેઓ શેરીઓમાં નમાઝ પઢવા એકત્રિત થાય છે. તેમણે ખટ્ટર પર નિશાન સાધતા કહ્યું કે, ખુલ્લી જગ્યામાં ઈબાદત કરવા માટે મુસ્લિમોને એકલાને જ કેમ દોષિત ગણો છો ? તેમણે કહ્યું કે શું આપણે પાર્કમાં યોગા કરતા નથી ? અને કેટલીવાર રોડ પર જાગરણના કાર્યક્રમ કરતા નથી ? આઈએનએલડીના નેતા ગોપીચંદ ગેહલોતે જણાવ્યું કે બીજેપી ધર્મના નામે મતદારોને વહેંચી રહી છે. મુસ્લિમોને સલામતી અને સુરક્ષા આપવાની સરકારની જવાબદારી છે. સરકારે નમાઝ માટે યોગ્ય સ્થળની ફાળવણી કરવી જોઈએ.