(એજન્સી) તા.૭
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન આક્ષેપો-પ્રતિઆક્ષેપો ચાલુ છે ત્યારે હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. જો કે, તેમણે કોઈ નેતાનું નામ લીધું ન હતું પરંતુ તેમણે ચેતવણીમાં ‘‘કોંગ્રેસ માં’’ અને તેમના દીકરાનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પર ભ્રષ્ટાચાર વિશેના જે અંગત આરોપો કર્યા હતા તેનાથી વડાપ્રધાન ગુસ્સે ભરાયા હતા. રાહુલ ગાંધી તેમની રેલીઓમાં ભાગેડુ કૌભાંડી નીરવ મોદીને ‘છોટા મોદી’ તરીકે સંબોધે છે અને ભાજપના નેતાઓને ગબ્બરસિંહ ગેંગ કહે છે. આ કારણે વડાપ્રધાન હતાશ જણાતા હતા અને તેમણે રાહુલ ગાંધીને અંગત પ્રહારો કરવા બદલ ચેતવણી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે હું હુબલીના મેદાન પરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગું છું કે, અનિયંત્રિત, આધારહિન અને ખોટા આરોપો કરવામાં તમને કંટાળો કેમ નથી આવતો.