(એજન્સી) શ્રીનગર, તા. ૭
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો દ્વારા પાંચ આતંકીઓને ઢાળી દેવા સાથે બુરહાન વાનીની સમગ્ર ગેંગનો સફાયો થઈ ગયો છે. અથડામણમાં માર્યો ગયેલો હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર સદ્દામ પેડર બુરહાન વાની ગેંગનો આખરી સભ્ય હતો.
૨૦૧૫માં બુરવાહ વાની સાથે ૧૧ આતંકવાદીઓની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી, જેના કારણે સમગ્ર કાશ્મીર ખીણમાં ખળભળાટ મચી ગયો હતો. બુરહાન વાની ૮ જુલાઈ, ૨૦૧૬ના રોજ એન્કાઉન્ટરમાં માર્યો હતો અને ત્યાર પછી બુરહાનની બ્રિગેડના આતંકીઓ સેના અને અન્ય સુરક્ષા દળોના નિશાન પર હતા.
રવિવારે લગભગ પાંચ કલાક ચાલેલી અથડામણમાં પાંચેય આતંકીઓ માર્યા ગયા હતા. સેના અને એસઓજીના એક-એક જવાન પણ ઘાયલ થયા હતા. ગઈ કાલે માર્યા ગયેલ બુરહાન બ્રિગેડના છેલ્લા આતંકી સદ્દામ પેડર પર રૂ. ૧૫ લાખનું ઈનામ હતું. માર્યા ગયેલા અન્ય આતંકીઓમાં પણ તૌસિફ શેખ, આદિલ મલ્લિક અને બિલાલ ઉર્ફે મૌલવીનો સમાવેશ થતો હતો.
બિલાલ પુલવામાનો ઈન્ચાર્જ અને આતંકી સંગઠન માટે ફંડ ઉઘરાવતો હતો. બુરહાન વાનીની ગેંગમાં સામેલ ૧૧ આતંકીઓમાંથી ૧૦ ઠાર મરાયા છે, જ્યારે એક અન્ય આતંકી તારીક પંડિતે સુરક્ષા દળો સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. બુરહાન બ્રિગેડના માર્યા ગયેલા આતંકીઓમાં-સદ્દામ પેડર, બુરહાન વાની, આદિલ ખાંડે, નસીર પંડિત, અશ્ફાક બટ્ટ, અનીસ, અશ્ફાક ડાર, વસીમ અલ્લાહ અને વસીમ શાહનો સમાવેશ થાય છે.
કાશ્મીર યુનિવર્સિટીમાં સોશિયલ સાયન્સનો આસિસ્ટન્ટ પ્રો. મોહમ્મદ રફી બટ્ટ અચાનક શુક્રવારે લાપતા થઈ ગયો હતો. પોલીસ ટીમના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર બટ્ટને સરેન્ડર થવા માટે સમજાવતો હતો, પરંતુ તે દરમિયાન માર્યો ગયો હતો.