(એજન્સી) સોલ, તા.૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે જૂનમાં યોજાનાર શિખર મંત્રણા સિંગાપુરમાં યોજાઈ શકે છે. દક્ષિણ કોરિયાઈ અખબારે સોમવારે છાપેલા એક સમાચારમાં આ અંગે દાવો કર્યો છે. ટ્રમ્પે ગત સપ્તાહને અંતે કહ્યું હતું કે બન્ને નેતાઓની વચ્ચે યોજાનારી શિખર મંત્રણા માટે તારીખ અને સ્થળ નક્કી થઈ ચૂકયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ અને કોરિયાઈ શાસકની વચ્ચે આ પહેલી બેઠક યોજાશે. વધુ જાણકારી આપ્યા વગર ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું અમે ટૂંક સમયમાં જ તેની ઘોષણા કરીશું. દ.કોરિયાના અખબારે રાજદ્વારી સૂત્રોના હવાલા મારફતે લખ્યું છે કે, ઐતિહાસિક શિખર મંત્રણા જૂન-મેના મધ્યમાં યોજાશે. સૂત્રએ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટોનના હવાલાથી ઉપરોકત વાત કહી છે. દ.કોરિયાની સમાચાર એજન્સીએ પણ આ જ પ્રકારના સમાચાર આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ કિમ જોંગ ઉને દ.કોરિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજીને સમાધાનના સંકેત આપ્યા છે. પાછલા કેટલાક સમયથી કિમના આક્રમક વલણોમાં ખૂબ જ ઘટાડો પણ જોવા મળ્યો છે.