ઉના, તા.૭
ઉનાના દેલવાડા રેલ્વે સ્ટેશન નજીક આવેલ નર્સરીમાં અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી ગયેલ આગના કારણે અગન ગોળા સ્વરૂપે સળગતા આગળ વધતા જોઇ રેલ્વે સ્ટેશનમાં રહેલા મુસાફરોમાં પણ નાસભાગ અને દોડાદોડી મચી ગયેલ હતી. આજ સમયે ટ્રેન રેલ્વે સ્ટેશન આગળ વધી આવતી હોય તેને બે કલાક સુધી રસ્તામાં રોકી દેવાઈ હતી. આ આગ ક્યા કારણોસર લાગી તેનુ રહસ્ય અકબંધ રહ્યુ હતું.
સાંજેના ચાર વાગ્યાના સમય દરમ્યાન અચાનક ફાટી નિકળેલી આગે નર્સરીમાં રહેલા નીચેના વૃક્ષો તેમજ મોટા મોટા વૃક્ષો અને આજુબાજુના વિસ્તારમાં પથરાયેલ વર્ષો જુના વૃક્ષોનું સોથ વાળી દીધુ હતુ અને આગના કારણે આ નર્સરીના તમામ વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા આગની તિવ્રતા આખા વિસ્તારમાં ફેલાયેલ હતી કે રેલ્વે સ્ટેશનના મોટાભાગના વિસ્તારમાં ભાગને લપેટમાં લઇ લીધેલ હોય જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો અને આગને કાબુમાં લેવા ઉના નગરપાલીકાના અધિકારી સંદીપભાઇ વાજા અને ઇર્શાદભાઇ સહીતના સ્ટાફે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્ન કરેલ પરંતુ ભારે ગરમી અને સુકાયેલા વૃક્ષોના કારણે અગન ગોળા દૂર દૂરના વિસ્તાર સુધી પથરાઈ જતાં આ આગ બે કલાકથી વધુ સમય બાદ આગને કાબુમાં લેતા લોકોમાં રાહતની લાગણી ફેલાયેલ હતી. આગ વખતે દેલવાડા રેલ્વે સ્ટેશન પર જુનાગઢ દેલવાડા રૂટની લોકલ દોડતી ટ્રેન આવવાનો સમય થઇ જતાં આ ટ્રેનને રેલ્વે સ્ટેશનથી થોડા કિ.મી. દૂર અટકાવી દેવાઈ હતી અને મુસાફરોને સલામત કરી લેવાયેલ હતા. આગ લાગવા અંગેનુ હજુ સુધી કોઇ કારણ બહાર આવેલ નથી પરંતુ આગના કારણે લાખો રૂપિયાના કિંમતી વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી આગ લાગવાના કારણો શોધી રહી છે.