(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના સાકરપાતળ નજીકથી ગત તા.૨૮-૪-૨૦૧૮ના રોજ એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ૨૯-૪-૨૦૧૮ના રોજ આ લાશ વરાછાના ડો.નિલેશ વસરામ વિરાણીની પત્ની બીનાબેનની હોવાની ઓળખ થઈ હતા. બીનાબેન વ્યવસાયે હોમિયોપેથિક ડોક્ટર અને મેક્સ લાઈફ ઈન્સ્યુરેન્સની કામગીરી કરતા હતા. બીનાબેનની સાથે સહકર્મચારી સંજય ભનુ ડોબરીયા (ઉ.વ.૩૬)ની મિત્રતા થઈ હતી. સંજય ઈલેક્ટ્રીક એન્જિનિયર હતો. બીનાબેન સાથે અંગત સંબંધોને લઇને બન્ને વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેથી સંજયે ઈલેક્ટ્રીક વાયરના કેબલથી ગળે ટુંપો દઈ તેણીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બીનાબેનની લાશને સંજય ડોબરીયાનો ડ્રાઈવર શેખ સીયાઝ કાર નં.જીજે-૫-જેએલ-૩૭૭૪માં નાંખીને ડાંગ ખાતે ફેંકી આવ્યો હતો. ડાંગ પોલીસ, સુરત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી નાંખી બંને આરોપીને ઝડપી લીધા હતા. સંજય ડોબરીયાએ બીનાબેનની હત્યા કરી હતી. જ્યારે તારીક શેખે લાશને સગેવગે કરવામાં મદદ કરી હતી. આ ગુનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહ્યી છે.