(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી મહાકૌભાંડ કરી કરોડો રૂીપયા ઘરભેગા કર્યા હવે ચૂંટણી વખતમાં આચરેલો ભ્રષ્ટાચાર ખૂલ્લો ન પડે એ માટે ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગરનું હાપા અને હવે મુખ્યમંત્રીના વિસ્તારમાં મગફળી સળગાવી દેવાઈ. ત્યારે સરકારી તંત્ર સામે પગલાં લેવાને બદલે ગોડાઉન માલિક સામે પગલા લેવાઈ રહ્યા છે. ભાજપના શાસનમાં બિટકોઈનકાંડ જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર, બોરીબંધ બનાવવાનું કૌભાંડ સામાન્ય પ્રજા માટે ન્યાય પાલિકાઓ પણ ન્યાય અપાવવા અસમર્થ જેવા અનેક મુદ્દે ગુજરાતમાં ભાજપના શાસનમાં પ્રજાના હકો જોખમાયા હોવાથી રાજકીય ઓથા હેઠળ રક્ષક જ ભક્ષક બન્યો છે.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કાયદેસરની મિલકતો ઉપર પણ રાજતંત્ર અને સત્તા તંત્રની મીઠી નજર તળે આવા સામાન્ય લોકોની માલ-મિલકત અને જમીન પચાવી પાડવા માટે જમીન માફિયાઓની મિલીભગતમાં સામાન્ય માણસ લૂંટાઇ રહ્યો છે. આવી મિલકતો પરત મેળવવા ન્યાય પાલિકાના દરવાજા ખટખટાવવા પડે છે. પરંતુ રાજતંત્ર અને સત્તા તંત્રનો સહકાર માફિયાઓને મળતો હોવાથી, વર્ષો સુધી મિલકતો પરત નથી મળતી અથવા તો હારી થાકીને નજીવી કિંમતે માફિયાઓને વેચી દેવી પડે છે. આવી કિંમતી મિલકતો જમીનો પચાવી પાડવાનું ષડયંત્ર ભાજપ સરકારની મીઠી નજર તળે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે.
બિટકોઇન મામલો જોઇએ તેટલો કે વર્તમાન સમયે બહાર આવેલ સમાચાર પૂરતો સિમિત નથી. તેના મૂળ ઉંડા છે. તેમાં ઇમાનદારીથી તપાસ થશે તો અબજો રૂપિયાના કૌભાંડ સાથે સત્તા પક્ષના મૂળિયા પણ હચમચી જશે. આ પ્રકરણ દબાવવાની કોશીશ હજી પણ થઇ રહી છે. ઇમાનદાર અધિકારીઓના કારણે આઇ.પી.એસ.કક્ષાના વ્યક્તિને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. અત્યાર સુધીની તપાસ તો માત્ર ટ્રેલર છે.
રાજ્યમાં સળંગ રર વર્ષથી શાસન કરતી ભાજપની સરકારે ખેડૂત વિરોધી નીતિના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતો આજે દેવાદાર બન્યા છે. ચૂંટણી સમયે નારાજ ખેડૂતોને ભોળવવા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો કાર્યક્રમ વ્હાલા દવલાની નીતિ સાથે સમગ્ર ગુજરાતમાં લાગુ કર્યો, ૩૩ લાખ મેટ્રીક ટન અંદાજિત ઉત્પાદન સામે માત્ર ૭ લાખ ૩૧ હજાર મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં અને ખરીદીમાં પણ કિન્નાખોરી-રાજકીય ભેદભાવ સાથે પ્રતિ મણ રૂા.પ૦નું બારોબાર કમિશન લઇ નબળી ગુણવત્તાવાળી મગફળી સરકારી ગોડાઉનોમાં ઠાલવવામાં આવી. તે પૈકી મોટાભાગની સળગાવી દેવાઇ અને વહાલાઓ કમાઇ ગયા પરંતુ જે ખેડૂતોએ મગફળી વેચી હતી તેઓને પાંચ મહિના બાદ પણ ચુકવણું કરવામાં આવ્યું નથી.
વિધાનસભામાં વિરોધ પક્ષની આક્રમક રજૂઆતના કારણે તપાસના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા તત્કાલિન રાજકોટના કલેકટરે ગુનાના મૂળ સુધી પહોંચવાના હતા ત્યારે સત્તામાં બેઠેલા લોકો સત્ય બહાર ન આવે તે માટે સત્ય ઉજાગર નહીં કરવાનો ખીતાબ જુનીયર અધિકારીને અમદાવાદ જેવા જિલ્લાના કલેકટર બનાવી પ્રમોશન આપવામાં આવ્યું. આ કાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. ઇમાનદાર અધિકારીઓ તપાસ ઇમાનદારીથી તપાસ કરશે તો મોટા માથાઓનું સરનામું જેલ હશે.
ધાનાણીએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં બનાસકાંઠામાં મહાપુર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હતો, છતાં આ કૌભાંડીઓએ બનાસકાંઠામાંથી મગફળી ખરીદીના બિલો બનાવ્યા. સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે બનાસકાંઠામાં મગફળી આવી કયાંથી ? ખરેખર તો નબળી ગુણવત્તાવાળી ધૂળ ઢેફાંવાળી મગફળી મોટા માથાઓના ગોડાઉનોમાં તૈયાર કરીને રાખવામાં આવી હતી. જ્યારે સાચા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી નથી. અહીં ભય વગર આયોજનબદ્ધ કૌભાંડ થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોનું સરકારના ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવા અને લોકોને કાર્યરત રાખવા લોકોના શ્રમયજ્ઞથી જળસંચયની કામગીરી શરૂ કરી છે. પરંતુ લોકો તરફથી મળેલા કરવેરાના કરોડોના નાણાં જેમાંથી જળસંચયની કામગીરી કરવાની હતી. તેના કરોડો રૂપિયા ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમમાં ચવાઇ ગયા. લોકો કરવેરારૂપે નાણાં આપે છે તે ઓળવી જવા અને જે કામ કરાવવું છે તે સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો દ્વારા શ્રમયજ્ઞ દ્વારા કરાવવું છે આ બધું વિરોધાભાસી છે.
આ જળસંચય અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રીને ચેલેન્જ કરતાં તેમણે જણાવ્યું કે, તમારી સરકારે બનાવેલા સવા લાખ બોરીબંધમાંથી એક પણ બોરીબંધ હયાત બતાવે તો હું રાજીનામું આપી દઉં નહીંતર મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે.