કેદારનાથ,તા. ૮
ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ઉત્તરાખંડમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા છે. કેદારનાથ ધામમાં ઉત્તરાખંડના ુપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત પણ અટવાઇ ગયા હોવાના હેવાલ મળ્યા છે. અતિ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરને ઉડાણ ભરવામાં સફળતા મળી રહી નથી. સાથે સાથે વાપસી માટે અન્ય રસ્તા પણ બંધ રાખવામાં આવ્યા છે. હાલમાં હવામાનની સ્થિતીમાં સુધારો થાય તેની રાહ જોવામાં આવી રહી છે. હરીશ રાવતની સાથે સાથે સાંસદપ્રદીપ ટમ્ટા પણ ફસાઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લઇને કેદારનાથ તરફ જતા શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે. કેદારનાથમાં સતત ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઇ ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે તમામ વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી બરફ જામી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે હિમવર્ષાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. ગઇકાલે પણ સતત હિમવર્ષા થઇ હતી. કેદારનાથમાં સતત હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. સવારે ૧૦ વાગે વરસાદ અને હિમવર્ષા શરૂ થયા બાદ સતત છ કલાક સુધી વરસાદ અને હિમવર્ષા જારી રહેતા લોકો અટવાઇ પડ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બીજી બાજુ ભારે વરસાદ અને હિમવર્ષા છતાં કેદારનાથ અને અન્યત્ર રોકાયેલા શ્રદ્ધાળુઓમાં રહેલા ઉસાહમાં કોઇ ઘટાડો થયો નથી. શ્રદ્ધાળુઓ વરસાદી માહોલમાં પણ કેદારનાથમાં પહોંચવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ ખરાબ હવામાનના લીધે કેદારનાથ માટે સંચાલિત હેલિકોપ્ટર સેવાને પણ અસર થઇ છે. પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. કેદારનાથ મંદિરના સંબંધિતો સાથે વાતચીત કરી હતી. કેદારનાથ ધામમાં હજુ પણ ગુજરાત સરકારના પોસ્ટર લાગેલા હોવાથી હરીશ રાવતને આશ્ચર્ય થયું હતું. કેદારનાથ મંદિર તરફ દોરી જતા માર્ગને વધુ વ્યવસ્થિત કરીને સ્થાનિક વેપારીઓની દુકાનોને દૂર કરવામાં આવી છે જેનાથી ત્યાં નારાજગી પણ જોવા મળી હતી. હરીશ રાવતે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોવા છતાં પુરતી વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી.