(એજન્સી) નવી દિલ્હી, તા.૮
આગામી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રાલયોને છેલ્લા ૪ વર્ષ દરમિયાન રોજગારી પેદા થઇ તેને લગતા આંકડા તૈયાર કરવા જણાવ્યું છે. વિવિધ મંત્રાલયોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કરેલા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની વિગતો તૈયાર કરે અને તેમાંથી કેટલી રોજગારીનું નિર્માણ થયું તેના આંકડા આપે એવું જાણવા મળ્યું છે.
બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, તેમને વિવિધ પ્રોગ્રામ્સની જીડીપી પર કેટલી અસર થઇ તેની ગણતરી પણ આપવા જણાવ્યું છે. માહિતી આપનારે નિયમોને ટાંકીને પોતાની ઓળખ જાહેર નહિ કરવાનો આગ્રહ કર્યો છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા જગદીશ ઠક્કરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમણે કોલનો જવાબ ન આપ્યો. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ’આ રીપોર્ટ તૈયાર કરવા પાછળ સરકારનો હેતુ એવા આક્ષેપનો જવાબ આપવાનો છે કે તેમણે દર વર્ષે ૧ કરોડ જોબ પેદા કરવાનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરવામાં નિષ્ફળ ગયા છે. જો તેમને ૨૦૧૪ જેવી ઐતિહાસિક જીત મેળવવી હશે તો આ આંકડા નિર્ણાયક સાબિત થઇ શકે છે. રોજગાર નિર્માણ મોદી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે પોતાના મંત્રાલયોના સાથીઓ સાથે એવા ટોપ ૫ જિલ્લાઓની યાદી બનાવવાનું પણ કહ્યું છે કે જેમને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોથી સૌથી વધુ ફાયદો થયો છે. તે ઉપરાંત લોકોની જીવન શૈલીમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ કરવા પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરીને કહ્યું હતું કે, ’બેરોજગારી આશરે ૬૦ વર્ષ સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસનો વારસો છે. આપણી સરકારનું ધ્યાન સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની વધારે સંભાવના પેદા કરવા પર છે. રીપોર્ટમાં મુંબઇ સ્થિત બિઝનેસ ઇન્ફોર્મેશન કંપનીને ટાંકીને રોજગારીના આંકડા આપવામાં આવ્યા. તેમાં બતાવવામાં આવ્યું છે કે ૧૫ મહિના સુધી ૬.૨૩ ટકા પર રહેલો બેરોજગારીનો દર એપ્રિલ મહિનામાં ૦.૩૭ ટકા ઘટીને ૫.૮૬ ટકા થયો હતો.