(એજન્સી) નવી દિલ્હી,તા.૮
સોમવારની રાત બોલીવુડ માટે ખૂબ જ વ્યસ્ત રહી. એક તરફ સોનમ કપૂરની મહેંદી તો બીજી તરફ મુકેશ અને નીતા આંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈની પાર્ટી ચાલી રહી હતી. ઈશા અંબાણીની સગાઈની પાર્ટીમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, શાહરૂખખાન, ગૌરીખાન, આમિરખાન, રણબીર કપૂર, અયાન મુખર્જી અને સચિન તેન્ડુલકર સહિત ઘણા સેલેબ્સ આ સગાઈ પાર્ટીમાં સામેલ થયા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ પત્ની ટીના અંબાણી સાથે આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન ઈશાની માતા અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પ્રવેશદ્વાર પર હાથ જોડીને મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યા. પાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લીશ-વિંગ્લિશના ગીત પર ડાન્સ કર્યો. જે સમયે નીતા અંબાણી ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેમના પતિ મુકેશ અંબાણી ડાન્સ ફલોર પાસે ઉભા રહીને તેમને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા.