જામનગર, તા. ૮
જીએસએફસી-વડોદરાનો પ્લાન્ટ ખસેડીને મોટી ખાવડીમાં આવેલી જીએસએફસીની બાજુમાં સ્થાપવાની હિલચાલ શરૂ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિ. (જીએસએફસીઆઈ) નો વડોદરાનો પ્લાન્ટ બંધ કરીને તેને મોટી ખાવડીમાં આવેલી જીએસએફસીની આજુબાજુ ખસેડવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરાનો વિકાસ થતા ત્યાંનો જીએસએફસી પ્લાન્ટ શહેરની વચ્ચે આવી ગયો છે. પર્યાવરણીય નિયમો મુજબ આ પ્લાન્ટને બંધ કરવો પડે તેમ હોવાથી ત્યાંનો પ્લાન્ટ બંધ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
કંપની દ્વારા આ પ્લાન્ટના સ્થાને જામનગર જિલ્લાની મોટી ખાવડી પાસે આવેલા પ્લાન્ટની આજુબાજુમાં વડોદરાના પ્લાન્ટમાં થતું ઉત્પાદન મેળવવા માટે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે.મોટી ખાવડીની આજુબાજુ આ પ્લાન્ટ માટે અંદાજે રપ૦ વીઘા જેવી જમીનની જરૂરિયાત હોવાનું પણ જાણવા મળે છે. આ માટે જમીન સંપાદન કરવાના હેતુથી કંપનીના એમ.ડી. બી.બી. શાહ અને જમીન સંપાદન અધિકારીની ટીમ છેલ્લા આઠેક દિવસથી જામનગર અને મોટી ખાવડીની મુલાકાત લઈ રહી છે. આ ટીમ ખેડૂતો સાથે જરૂરી જમીન સંપાદન કરવા માટે વાટાઘાટો કરી રહી છે. જમીન સંપાદન થયા પછી વડોદરા જેવો આબેહૂબ પ્લાન્ટ મોટી ખાવડીમાં ઊભો કરવાનું આયોજન છે. આ પ્લાન્ટ તૈયાર થયા પછી અહીં સલ્ફરીક એસિડ, ફોસ્ફેરિક એસિડ અને કેમિકલ્સનું ઉત્પાદન શરૂ થશે, તેમ જાણવા મળે છે.