(સંવાદદાતા દ્વારા) ધોરાજી,તા.૮
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ જલસંચય યોજના હેઠળ ચાલતી કામગીરી અંગે સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે છેલ્લા ૭ દિવસથી સરકાર અને ભાજપના લોકો ચાલતા કામો પર જઈ ફોટાઓ પડાવી સરકારની વાહવાહી કરવામાં પાડ્યા છે. પણ આજ સુધી સરકાર દ્વારા ૧ રૂપિયો પણ આ કામ અંગે ફાળવાયો નથી. ફક્ત લોક ફાળામાંથી આવેલા પૈસાથી કામો ચાલી રહ્યા છે. લોકફાળામાંથી મળેલા પૈસાથી જાહેરાતો અને ખાતમૃહતના કામો ચાલી રહ્યા છે. જે શરમજનક બાબત છે.
લલિત વસોયાએ સરકારની ટીકા કરતા કહ્યું કે જમીન વિકાસ નિગમ દ્વારા તળાવ અને ચેકડેમના કામો લોકભાગીદારીથી કરવા માટે ઓનલાઈન અરજીઆ મંગાવવામાં આવી હતી. ગામ લોકોએ અરજીઓ કરી ૧૦ ટકા લેખે લોકફાળો પણ ભરી દેવામાં આવ્યો જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી કરોડો રૂપિયા પકડાયા તેના કારણે આ મંજૂર થયેલા કામો અટકાવવામાં આવ્યા આ કામો તાત્કાલિક ચાલું કરાવવાના બદલે મફ્તમાં તાયફાઓ કરવા નીકળ્યા છે.
લલિત વસોયાએ ચીમકી આપતા કહ્યું છે કે પ દિવસમાં સરકાર એના ભાગના પ૦ % રકમ જમા નહીં કરાવે અને જમીન વિકાસ નિગમ દ્વારા મંજૂર થયેલા કામો શરૂ નહીં કરાવે તો તાયફાઓ હંગામામાં પલટાઈ જશે.