(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના ઝાંપાબજાર વિસ્તારમાં આવેલી એક કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દુકાનની ઉપરના ત્રણ માળ રહેણાંકના હોવાથી આગના પગલે ચારેય મહિલા કુદી ગઇ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જે પૈકી એક મહિલાનો પગ ભાંગી ગયો હતો જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલા એક ચાર માળના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલ વર્લ્ડ નામની કાપડની દુકાન આવેલી છે. જેમાં આજે અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. કાપડના કારણે આગે થોડી ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં આગના પગલે ધુમાડો ઉપરના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. જેથી મકાનમાં રહેતી મહિલાઓ ગભરાઈ જતા ઉપરના માળ પરથી ચાર જેટલી મહિલાઓ માળ ઉપરથી નીચે કૂદી ગઈ હતી. જેમાં એક મહિલાનો પગ ભાંગી ગયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી. આગને ફાયર વિભાગ દ્વારા કાબુમાં લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.