(એજન્સી) તા.૮
સનદી સેવાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે પુસ્તકોથી ઘેરાયેલા રહેવું સામાન્ય બાબત છે પરંતુ કેરળ પબ્લિક સર્વિસ કમિશનની લેખિત પરીક્ષા પાસ કરનાર શ્રીનાથ કે જે કુલીનું કામ કરે છે તેણે પરીક્ષાની તૈયારી માટે ફકત મોબાઈલ ફોન અને ઈયરફોનનો ઉપયોગ કર્યો હતો. શ્રીનાથ છેલ્લા પાંચ વર્ષથી કેરળના એર્નાકુલમ જંકશન પર કુલીનું કામ કરી તેની આજીવિકા મેળવે છે અને પરીક્ષાની તૈયારી કરવા માટે રેલવે સ્ટેશન મળતી મફત વાઈફાઈ સેવાનો લાભ લે છે તે જ્યારે તેના ખભા પર સામાન ઉચકે છે તે જ સમયે તે ઈયરફોન દ્વારા તેનો ડિજિટલ અભ્યાસક્રમ સાંભળે છે. શ્રીનાથે કહ્યું હતું કે, મેં ત્રણ વખત પરીક્ષા આપી હતી અને આ પ્રથમ વખત છે કે મેં સ્ટેશન પર ઉપલબ્ધ વાઈફાઈ સુવિધાનો ઉપયોગ કર્યો. જ્યારે હું સામાન ઉંચકીને ચાલું છું ત્યારે હું ઈયરફોન દ્વારા અભ્યાસ-સામગ્રી સાંભળું છું અથવા મનમાં કોયડા ઉકેલું છું. આ રીતે કામ કરતા સમયે હું અભ્યાસ કરું છું. જ્યારે રાત્રે મને સમય મળે છે ત્યારે હું મારા અભ્યાસનો પુનરાવર્તન કરું છું. શ્રીનાથ પશ્ચિમ ઘટનાની પર્વતમાળામાં આવેલા મુન્નારનો રહેવાસી છે અને એર્નાકુલમ મુન્નારની નજીક આવેલું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. જો તે ઈન્ટરવ્યુમાં પાસ થઈ જશે તો તેને મહેસૂલ વિભાગમાં તલાટીની નોકરી મળશે. શ્રીનાથે કહ્યું હતું કે, હું ભણતર ચાલુ રાખીશ. મારે કુલી તરીકે કામ ચાલુ રાખવું પડશે કારણ કે મારે ઘર ચલાવવાનું છે. હું પરીક્ષાઓ આપતો રહીશ. જો હું પૂરતા પ્રમાણમાં પરીક્ષાઓ આપીશ તો મને સારી નોકરી મળી જશે.