(એજન્સી) વિજયપુર, તા. ૭
કર્ણાટકના ચૂંટણી સંગ્રામાં પહેલીવાર પ્રચાર કરવા ઉતરેલા યુપીએના અધ્યક્ષ તથા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીને કોંગ્રેસમુક્ત ભારતનું ભૂત વળગ્યું છે પણ તેઓ કોઇને સહન કરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, પીએમ મોદી સારા વક્તા અને કલાકાર છે પણ તેમના ભાષણથી કોઇનું પેટ ભરાતું નથી તેઓ જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે. વિજયપુરમાં ચૂંટણી સબાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર કર્ણાટક સાથે ભેદભાવ કરી રહી છે. સિદ્ધરમૈયા અને તેમના સહયોગીઓના નેતૃત્વમાં રાજ્ય સરકારે જે પગલાં ભર્યા છે તે સૌથી શ્રેષ્ઠ છે. કોંગ્રેસ સરકારે કર્ણાટકને ભારતનું નંબર વન રાજ્ય બનાવ્યું છે જ્યારે બીજી તરફ ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, સિદ્ધરમૈયા સાથે ન મળીને પીએમ મોદીએ કર્ણાટકની જનતાનું અપમાન કર્યુ છે. જે રાજ્યોમાં દુકાળ પડ્યો ત્યાં મોદી સરકારે ખૂબ નાણા વેર્યા પરંતુ કર્ણાટકના ખેડૂતોને કાંઇ જ નથી આપ્યું. તેમણે સવાલ કર્યો કે, મોદીજી શું આજ છે તમારો સબકા સાથ સબકા વિકાસ ? ત્યારબાદ સિદ્ધરમૈયાએ ૨૨ લાખ ખેડૂતોના દેવા માફ કર્યા છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ વિકાસના કામો કરી રહી છે પરંતુ મોદીનું ચાર વર્ષથી એક જ કામ રહ્યું છે કે જે કોંગ્રેસે કર્યું છે તેને સમાપ્ત કરવું. મોદી પર કોંગ્રેસમુક્ત ભારતનું ઝનુન છે તેમને કોંગ્રેસ મુક્ત ભારતનો ભૂત વળગ્યો છે પરંતુ કોંગ્રેસમુક્ત ભારત તો જવા દો તેઓ તો પોતાની સામે કોઇને પણ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, મોદી સારા વક્તા છે અને સારા અભિનેતાની જેમ ભાષણ આપે છે.