(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
ઝીણાની તસવીર અંગેના વિવાદના સંદર્ભમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વાઇસ ચાન્સલર તારિક મન્સૂરે બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી છે. વાઇસ ચાન્સલરે ઝીણાની તસવીર અંગેના વિવાદને કોઇ મુદ્દો ગણાવ્યો નથી. ઝીણાની તસવીર અહીં (કેમ્પ્સમાં) ૧૯૩૮થી છે. ઝીણાની તસવીર બોમ્બે હાઇકોર્ટ અને અમદાવાદના સાબરમતી આશ્રમ સહિત ઘણા સ્થળોએ છે. આ તસવીર અંગે અત્યાર સુધી કોઇ વિવાદ થયો ન હતો અને ન તો કોઇ આ તસવીરથી પરેશાન હતો. તેમણે એવું પણ કહ્યું કે મને લાગે છે કે આ કોઇ મુદ્દો નથી. વિદ્યાર્થીઓના આંદોલનનો ઝીણાની તસવીર સાથે કોઇ સંબંધ નથી. વિદ્યાર્થીઓ તો બીજી મે ના રોજ એએમયુના પરિસરમાં આવીને અશાંતિ સર્જવા માગતા લોકો સામે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. મુખ્ય સચિવ પાસે આ બાબતના સંદર્ભમાં ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે. એએમયુના વાઇસ ચાન્સલરે મંગળવારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અશાંતિ કે હોબાળાને કારણે પોતાના અભ્યાસ પર કોઇ અસર નહીં પડવા દેવાની અરજ કરી છે. વિદ્યાર્થીઓને સંબોધની લખેલા એક ખુલ્લા પત્રમાં ચોક્કસ બળોના છટકામાં નહીં ફંસાવવાની વિદ્યાર્થીઓને અરજ કરી છે. આ બળો આપણી યુનિવર્સિટીને બદનામ કરવા કે તેની છબી ખરડવા માગે છે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. પત્રમાં મન્સૂરે જણાવ્યું છે કે મીડિયાની કેટલીક ચેનલો દ્વારા અડ્ધા સત્યનો ઉપયોગ કરીને યુનિવર્સિટીની નકારાત્મક છબીનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની બાબતથી તેમને દુઃખ થયું છે. એએમયુ પર ચોમેરથી પ્રહારો કરવામાં આવી રહ્યા છે. યોગ્ય રીતે જવાબ આપવા અને વિચારશીલ પગલાં દ્વારા જવાબ આપવા તેમ જ લાગણીઓમાં નહીં તણાવવાનું બહુ મહત્વનું છે.
યુનિવર્સિટી કેમ્પ્સમાં પ્રવર્તમાન તનાવને કારણે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યક્રમ રદ કરવો પડ્યો અને પરીક્ષાઓ પણ મોકૂફ રાખવી પડી હતી. હવે પરીક્ષાઓ ૧૨મી મે થી શરુ થશે.