(એજન્સી) મુંબઇ, તા. ૯
એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન હતા ત્યારે બે દાયકા પહેલા તેમણે બાળ ઠાકરેની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં ભુજબળની ધરપકડ બાદ તેમના કારાવાસ ભોગવવાની બાબત ભાગ્યે ઠાકરેને જેલમાં મોકલવાના તેમના પ્રયાસનો બદલો લીધો હોવાનો શિવસેનાએ દાવો કર્યો છે. ૭૦ વર્ષીય છગન ભુજબળના કથળી રહેલા સ્વાસ્થ્ય અને તેમની મોટી વયને ધ્યાનમાં લીધા બાદ બોમ્બે હાઇકોર્ટ દ્વારા ૪થી મે ના રોજ તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભુજબળ માર્ચ ૨૦૧૬થી જેલમાં છે. ભુજબળની હાંસી ઉડાવતા શિવસેનાએ એવો દાવો કર્યો કે ભુજબળ હતાશામાં બાળ ઠાકરેની ધરપકડ કરાવવા માગતા હતા. મરાઠી દૈનિકમાં પ્રસિદ્ધ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કાયદો અને સત્તાનો ક્યારેક રાજકીય બદલો લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રસિદ્ધ થયેલા તંત્રી લેખમાં જણાવવામાં આવ્યું છે કે હિન્દુત્વના નામે પ્રવચનો આપવા અને તંત્રી લેખો લખવા બદલ બાળ ઠાકરે સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ભુજબળનો કારાવાસ ભાગ્ય દ્વારા તેમની સામે બદલો લેવામાં આવ્યો છે. તેઓ કોઇ પણ રીતે બાળ ઠાકરેની ધરપકડ કરાવવા માગતા હતા. તે વખતે અમારા સહયોગી ભાજપની કેન્દ્રમાં સરકાર હતી. કાયદો અને વ્યવસ્થાની કોઇપણ સમસ્યા નિવારવા માટે અન્ય રાજ્યોમાંથી વધારાના પોલીસ દળો કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યા હતા. શિવસેનાએ એવો દાવો કર્યો છે કે આ બાબતે પૂરવાર કરી દીધું કે તે વખતથી ભાજપ અને એનસીપી વચ્ચે ગુપ્ત જોડાણ છે. સામનાના લેખમાં જણાવવામાં આવ્યું છે કે ભુજબળ મની લોન્ડરિંગના કેસમાં બે વર્ષથી જેલમાં છે જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ આવા જ આરોપોનો સામનો કરી રહ્યો છે પરંતુ ચાલુ વર્ષના માર્ચમાં કાર્તિની ધરપકડ થયા બાદ આઠ જ દિવસમાં તે જામીન પર બહાર આવી ગયો.