(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને એક સગીર વયના કિશોરે પ્રેમજાળમાં ફસાવી હતી અને તેણીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પરિવારજનોએ આરોપી વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી સગીર વયના આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત પર્વતગામ ખાતે રહેતા સગીર આરોપી કૈલાશ (નામ બદલ્યું છે) એ ઘર પાસે રહેતી સગીર વયની કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લાં એક વર્ષથી તે તેણીને અવાર નવાર લગ્ન કરવાના વાયદા કરી તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહિ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કરી તેણીને ગર્ભવતી બનાવી હતી અને ત્યાર બાદ લગ્ન કરવા માટે તેણીને અપનાવવા ઈન્કાર કરી દીધો હતો. આ અંગે કિશોરીએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું તેથી કિશોરીના પરિવાજનોએ આરોપી કૈલાશ વિરૂદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી સગીર વયના આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.