(એજન્સી) કાબુલ, તા.૯
બુધવારે અફઘાનિસ્તાનની રાજધાનીમાં આવેલા પોલીસ સ્ટેશનમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં બે પોલીસ જવાનોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગૃહમંત્રાલયના પ્રવકતા નજીબ દાનિશે જણાવ્યું કે, પહેલો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કાબુલમાં પશ્ચિમ ભાગમાં આવેલા સ્ટેશનમાં થયો હતો જેમાં બે પોલીસકર્મીઓનાં મોત નિપજ્યા હતા. તેમણે જણાવ્યું કે, હુમલા બાદ છૂટાછવાયા ગોળીબાર પણ થયા હતા કે જે સફાયો કરવાના અભિયાનનો એક ભાગ હતા. કાબુલ પોલીસ ચીફ જનરલ દાઉદ અમીને જણાવ્યું કે, બીજા હુમલામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. અમીને વધુમાં જણાવ્યું કે, મધ્ય કાબુલમાં પણ જુદા-જુદા સ્થળોએ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં એક વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર થયો હતો, આ વિસ્ફોટની પરિસ્થિતિ સામે હજુ પણ લોકો ઝઝૂમી રહ્યા છે. આસપાસની ઈમારતો પર બંદૂકધારીઓ ગોઠવાઈ ગયા હતા કે જેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. કાબુલ એમ્બ્યુલન્સ સેવાના પ્રમુખ અસમ જણાવે છે કે, આ હુમલા બાદ ૬ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમોલાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે અને તેને કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઈએસઆઈએસનો ઘણો દબદબો છે. તેઓ આ દેશના લોકશાહી સરકાર ચલાવવા દેવા માગતા નથી. ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હોવાથી આતંકવાદી સંગઠનો મોટા પાયે દેશની કચેરીઓ અને સલામતી દળોને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરી રહ્યા છે.