(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૯
બોટાદના પાળિયાદ રોડ, યોગી ગેસ્ટ હાઉસની બાજુમાં આવેલ શ્રદ્ધા વુમન્સ એન્ડ પ્રસૃતિ ગૃહના શ્રદ્ધા મેડિકલ સ્ટોરમાંથી એક યુવક અને યુવતીની લાશ મળી આવતા આ વિસ્તારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં બોટાદનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવ આપઘાતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બોટાદના પાળિયાદ રોડ પર આવેલ શ્રદ્ધા વુમન્સ એન્ડ પ્રસૃતિ ગૃહના શ્રદ્ધા મેડિકલ સ્ટોરમાંથી બોટાદના જૂના રામજી મંદિર પાસે ભગવતી શેરીમાં રહેતા અને ચાની હોટલ ધરાવતા નયનભાઈ પ્રજાપતિ કુંભારની પુત્રી નેહા (ઉ.વ.૧૯)અને બોટાદ ગામે રહેતો અકરમ સિરાજભાઈ (ઉ.વ.ર૦) નામના યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતાં નેહાના પિતા નયનભાઈ અને માતા હંસાબેન પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે મારી દીકરી નેહા બપોરના સુમારે બ્યુટીપાર્લરમાં જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે મૃતક અકરમ શ્રદ્ધા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે, આ બનાવનું કારણ હજુ જાણવા મળેલ નથી.