ભૂજ,તા.૯
ભૂજની ભાગોળે એક દલિત યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને યુવતી સાથેના આડાસંબંધના મામલે હત્યા થયાનું ખૂલ્યું હતું.ભૂજ તાલુકાના કોટાય ગામના જયદીપ મનજી ગરવા નામના યુવકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી કોઈ શખ્સો તેની લાશ ખાવડા રોડ ઉપર સનાદાદા જગ્યા પાસે નિર્જન ઝાડીમાં ફેંકી ગયા હતા. તા. ૯/પના વહેલી પરોઢે આ યુવાનની લાશ અંગે ભૂજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકને જાણ થતા પોલીસે તુરંત જ તપાસ કરી હત્યાનું પગેરૂ શોધી કાઢ્યું હતું. ભૂજના મહમદ અસલમ ઓસમાણ સમા અને સમસુ ઓસમાણ સમા નામના શખ્સોએ આ હત્યા કરી હતી તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મહમદ અસલમ ઓસમાણ સમાની પુત્રી સાથે મૃતક યુવાનને આડાસંબંધ હોવાથી આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આરોપી શખ્સોએ યુવાનની હત્યા કરી ખાવડા રોડ ઉપર નિર્જન જગ્યાએ લાશ ફેંકી દીધી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી.