(એજન્સી) નાગાઓં, તા.૯
નાગાઓં જિલ્લામાં પોતાના જ વિસ્તારમાં યોજાયેલ સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં આસામના એક નિવૃત્ત શિક્ષકે ઉબડ-ખાબડ રસ્તાઓ વિશેની ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે તરત જ કેન્દ્રીય મંત્રીએ તેમની વાતને કાપી નાંખી. આ કાર્યક્રમમાં કેટલાક અધિકારીઓએ સંબોધન કર્યા બાદ નિવૃત્ત શિક્ષકે સ્ટેજ પર જઈ જ્યારે ફરિયાદ કરી કે તેમણે ઘણી બધી વખત વિસ્તારના રસ્તાઓના સમારકામની સ્થાનિક ધારાસભ્યને અરજીઓ કરી હોવા છતાં આ અંગે કોઈપણ કામ કરવામાં આવ્યું નથી ત્યારે કેન્દ્ર મંત્રીએ તેમનું માઈક આંચકી લીધું. ગુવાહાટીથી ૧રપ કિ.મી. દૂર આવેલા નાગાઓંના નિવૃત્ત શિક્ષકે પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક રસ્તાઓની હાલત ખૂબ જ કફોડી છે જેના સમારકામ અંગેની ખૂબ જ જરૂરિયાત છે. ઉબડ-ખાબડ રસ્તાઓને પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે મેં આ અંગે ઘણી બધી વાર અરજીઓ કરી હોવા છતાં તેનું કોઈ સફળ પરિણામ પ્રાપ્ત થયેલ નથી. પરંતુ તેમ છતાંય સ્થાનિકો નવી સરકાર અને નવા ધારાસભ્ય પાસે રસ્તાઓના સમારકામ અંગેની આશાઓ સેવી રહ્યા છે.